પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સેવા તણી ગરજ છે વિભુને ન મ્હારી,
નૌકા તણી ગરજ ના જ્યમ સિન્ધુ રાખે;
સૂઈ ઊભા રહી પ્રકાશની રાહ જેવી,
તેમાં ય એ જ હરિની બજતી જ સેવા.

આ શુષ્ક પાનખર શી મુજ દગ્ધ આશા,
તેને પરંતુ હજુ છે ફરિયદ કાંઈ;
ફિક્કાશ આ રુધિરની રડવી નથી કૈં ,
એ પ્રેમનો તરફડાટ બધો ગયો છે.

જે સર્વદા સહજપ્રાપ્ય તજી દઈને,
જે લાધવું કઠિન ત્યાં નિજ તીર તાંકે,
તે પ્રેમને ઘટિત અશ્રુ બધાંય આ છે :
તેમાં કશીય ફરિયાદ કરી ન છાજે.

કિન્તુ વસન્તસમયે સહુ પુષ્પ ખીલે,
તોફાન સિન્ધુજલના શરદે શમે છે;
જ્યાં શાન્તિનો સમય માનવીઓ ગણે સૌ,
ત્યાં દર્શને ન હજુ શાન્તિ તણું હું પામ્યો !

બાલ્યા ગ‌ઈ જ, ગત યૌવન છે થયું, ને
મ્રુત્યુ તણાય પડઘા શ્રવણે સુણાતા;
ત્હોયે રહે તરસમાં મરતો બપૈયો,
ને પિંજરા હૃદયને ફરિયાદ રોવી !

૯-૫-૧૮૯૮


મ્હારો ખજાનો

જેણે ખજાનો જ્યાં કર્યો તેનું જિગર ત્યાં ત્યાં નકી;
જેનું જિગર જ્યાં જ્યાં ઠર્યું તેની ઠરી ત્યાં ઝિન્દગી !

હાવાં મોતની એ મહફિલે,
ચાવી ખજાનાની રહે !
મહેતલ નકાં પૂરી બને ?
શું એ જ માંગે આંખડી !


કલાપીનો કેકારવ/૪૮૬