પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે તે ગુલોની એ કલી
ચીંધે મોત સામી આંગળી.

મ્હારો ખજાનો જોઉં હું !
છે પાસ કાં ના લેઉં હું !
માશૂક વરવી કાં ગણું ?
લાગી નઝર તો એ ભણી !

એ રીઝતી કે ખીજતી
ત્હોયે સનમ રૂડી હતી !
શું મોત છે એની છબી !
કેવી શિકલ, રે રે ફરી !

પ્હેલી જઈફી આવતાં
શું એ મુખો આવાં થતાં ?
શું મોતનાં તે મોતમાં ?
તેના બુઢાપા એ વળી !

'રે ! ઓ ! સનમ ! રે ! ઓ ! સનમ !
ત્હારા જભાઓ કર ખતમ !
'દેખાડી ત્હારૂં દે બદન !
તું તું સનમ ! ભૂલું નહીં !'

એ બોલતાં એ શી ફરે !
એ લાલ રંગો શા તરે !
સુન્દર જઈફી તો કરે;
ત્હોયે ન કાં ભેટું હજી !

જે મત્ત તરુઓ મદ ઝરે:
જે કેફમાં વેલી ચડે:
તે આંસુડાં ખારાં બને,
સુરભે ગઈ ! વેલી કહીં ?

જડ વૃક્ષ થઈ એ ઝૂરવું !
શશીહીન વા કુમુદું થવું !
દૃઢ શીદને બનવું કશું !
નકી મોત કોમલ પ્રીતડી !


કલાપીનો કેકારવ/૪૮૮