પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખોવાતું ચિત્ત

નયને જલ એ વહતાં રડતો !
સુખમાં પછી હું ન મ્હને ગમતો !
મુજથી પણ આ મુજ ચિત્ત બને ગુમ
એ સહવું ક્યમ ? ના સમજ્યો !

ઉર બ્હાર વહી જ ઉરત્વ જતું !
જલથી જ્યમ દૂર જલત્વ બને, અહ !
મીન ગરીબ રહે : ન મરે, અહ !
એ સહતાં ય સહ્યું ન થતું !

૨૫-૫-૯૮

જેને વીતી ગઈ

'જેને વીતી તે તો જાણે,'
જખમી એવું માની મ્હાણે;
ખોળામાં શિર ધરવા આણે,
               ત્યાં આ ખંજર શું ?

જેને વીતી તે બોલે છે :
'હાં ! કૈં વીતે તો તુંને છે !
'વીતે તો છોને વીતે છે !
               'વીતે એમાં શું ?'

જેને વીતી ગઈ સંસારે,
તે તો બેપરવાઈ ધારે !
               વીતે છે તેને તો,
જેને વીતી તે લાધ્યે શું ?
જેને વીતી તે સાથે શું ?

વીજ વાદળી સાથે જાતી,
કાલે ગઈ આજે ભૂલાતી !
સૂકાઈ કોરી છાતી થઈ,
               જેને વીતી ગઈ !

૧-૬-૯૮


કલાપીનો કેકારવ/૪૯૦