પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ત્હમારી બેવફાઈના, હરામી ને હલાલીના–
ચીરી પડદા હમે ન્યારા ! હમારા રાહ છે ન્યારા !

હમે મગરૂર મસ્તાના ! બિયાબાંમાં રઝળનારા !
ખરા મહબૂબ સિંહો ત્યાં ! હમારા રાહ છે ન્યારા !

કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દાનાં ઊડે ટોળાં,
કબૂતર ઘૂઘવે છે જ્યાં, હમારા મ્હેલ ઊભા ત્યાં !

લવે છે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં,
હમે ત્યાં નાચતા નાગા ! હમારા રાહ છે ન્યારા !

ત્હમારા કૃષ્ણ ને મોહમદ, ત્હમારા માઘ, કાલિદાસ,
બિરાદર એ બધા મ્હારા ! હમારા રાહ છે ન્યારા !

હતાં મ્હેતો અને મીરાં ખરાં ઈલ્મી ખરાં શૂરાં;
હમારા કાફલામાં એ મુસાફર બે હતા પૂરાં !

પૂજારી એ હમારાં, ને હમો તો પૂજતા તેને,
હમારાં એ હતાં માશૂક, હમો તેના હતા દિલબર!

ત્હમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા;
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જ્યાં!

હમો તમને નથી અડતા, હમોને છેડશો કો’ ના!
લગાવી હૂલ હૈયે મેં નિચોવી પ્રેમ દીધો છે !

હવાઈ મ્હેલના વાસી હમે એકાન્ત દુઃખવાદી !
હમોને શોખ મરવાનો ! હમારો રાહ છે ન્યારો !

ખુમારીમાં જ મસ્તી છે ! તમે ના સ્વાદ ચાખ્યો એ:
હમોને તો જગત ખારું થઈ ચૂક્યું, થઈ ચૂક્યું!

૧૨-૮-’૯૪

કુદરત અને મનુષ્ય

પહોંચે ના કર્ણે કલકલ ધ્વનિ આ જગતના,
વહે ધીમાં ધીમાં ખળખળ અહીં શાન્ત ઝરણાં,
વહે ધોધો ગાજી મધુર જ્યમ માતંગ ગરજે,
રૂડાં બચ્ચાં ન્હાનાં ચપલ હરિણોનાં કૂદી રહે!

કલાપીનો કેકારવ/૯૭