પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દૂર દાઝવું જો ના થાયે,
જો ના દ્‌હાડાથી ઓલાયે -
જો યાદી ના કૈં ભાવે તો -
          ભૂલી જાવા આશાઓ !

૪-૬-૯૮

એકલો બોલ

'ચાહું છું,' બાલે ! તું કહે છે !
તો કાં આંખ મહીં ના એ છે ?
ના કાં એ ગાલે છે રમતું !
     ખેલાડી પેલું ? આનન્દી પેલું ?

મ્હારામાં - એકજમાં - ત્હારો
હૈયે હોત ઠલાવ્યો ભારો:
તો - તો વ્હાલી બાલે !
             આવી કંગાલી શાને ?
             શાને દેવાતે ભાલે ?

જ્યાં જ્યાં ભેટો થાતો, બાલે !
ત્યાં આ રક્ત ઉછાળે ચાલે !
થંડું ત્યાં ત્હારૂં તો ભાલે
               પ્રેમે ઉત્તર શો ?

બોલ એકલો જ તુજ દિલ ખોલે !
મ્હારૂં નામ મૃદુ શી બોલે !
ત્હો યે આ ઉરના જુસ્સા ના
                તવ હૈયું ફોલે !
        બાલે ! તવ હૈયું ફોલે !

જોને - પરવાળાં ત્હારાં એ
આ ઓષ્ઠે કો દી શાનાં આવે !
ત્હોયે હિમભર્યા સિન્ધુની
                   શરદી કાં લાવે ?
           બાલે ! શરદી કાં લાવે ?

શબ્દ માત્ર શું હું જેવાને ?


કલાપીનો કેકારવ/૪૯૪