પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી શું એ તુંને, તુજ હ્રદય, આત્મા, જીવિતને,
ચડાવી વંટોળે અગર દબવી કાંઈ કરતું ?

સુખભિજ્ઞામાં કો અવર સઘળું ભાન વિસરી
ભરી તેથી લેને તુજ જીગર પૂરૂં છલકતું:
પછી તેને ક્હેજે, 'પ્રણય'! 'પ્રભુ' ! 'હૈયું'! 'સુખ'! અને
ક્હેજે ઇચ્છે તે અગર મુખમાં જે ચડી ગયું.

નથી તેને માટે મુજ મગજમાં નામ વદવા,
અનાલાપી ગાણું, જગત! પ્રભુ! એ લાગણી બધું !
ધ્વનિ, નામો, ગાણાં - અવર સઘળાં ધૂમ્ર સરખાં
દ્યુતિ તેનીને સૌ મલિન નિમિતે ઝાંખપ ધરે.

અભિવ્યાપ્તિમાં આ પ્રતિ ઉર અને તે પ્રતિ સ્થળે
રુચે તે ઉક્તિમાં પલ જ પલ તેની કથી રહ્યાં;
કહે મ્હારી ભાષા પછી ક્યમ કવે ના નિજ રુચ્યું?
વિના ક્હેતાં ક્હેવા અગર નવ કાં મૌન જ રહું?

૧૨-૨-૧૮૯૯

વ્હાલાને

વ્હાલાં ! ઉર ઝાંઝાને પાજો;
થોડાંને ગાજો ને સ્હાજો;
ગાતાંને , સ્હાતાંને ચ્હાજો:
ચ્હાજો વ્હાંલાં વ્હાલાંને

વ્હાલાંમાંથી વ્હાલાં આવે:
વ્હાલું તે દેવાને લાવે:
વ્હાલું લઈ વ્હાલું સૌ દેજો:
વ્હાલાં ! વ્હાલાંને.

ઝાઝાં તો એ જાશે છોડ:
મેમાની કરજો ના થોડી:
હૈડાંનું દેજો સૌ છોડી:
એ તો વ્હાલાં વ્હાલાંને.


કલાપીનો કેકારવ/૫૦૨