પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેમાંથી જે તે પોતે તે:
વ્હાલાંનાં વ્હાલાંઓ જે છે:
એવાંને હૈયામાં લેજો:
વ્હાલાં વ્હાલાંને.

૨૬-૪-૧૮૯૯

શાને રોવાનું

જે ખપનું ના તે ખોવાનું:
ખોવાતાં શાને રોવાનું?
લેનારાં જો જોવાનું,
વ્હાલાં ! શાને રોવાનું?

માગો તે માગો તે લેતાં:
ત્હોયે કાં આંસુમાં ર્ હેતાં ?
દેનારાંને જોવા ક્હેતાં,
વ્હાલાં ! કાં રોતાં ?

૧૦-૦૫-૧૮૯૯

ખતા નહીં જાતી

પેદા થયો ખતા મહીં: ખતા નહીં જાતી;
પેદા કરી તકદીર ના તદબીરથી જાતી!

મગર ખતા તકદીરથી સનમ! સદા તું દૂર;
આશક તણી તુંથી ન ખતા શું ખસી જાતી!

હિના ફરે તુજ કદમની, સનમ ! ચમનમાં રોજ;
હુંથી ગુલે ન ખારની હારો મગર જાતી!

તું ફૂલથી કાંટા, સનમ! ચાહે તો કર દૂર;
તુંને મગર તકલીફ એ આપી નહીં જાતી!

કાફર દિલ આ તો કરે, સનમ! લાખ તકસીર;
ત્હારી મગર યાદી વગર ઘડી નહીં જાતી!

એ યાદી પર તું, સનમ ! કરે રહી છે મહેર;
તું આવતી પણ બુલબુલે ગભરાઈને જાતી!

તું ચાહે તો શોર એ કરે ઇશારે ચૂપ;
તુંથી મગર રહમ અને શરમ નહીં જાતી!


કલાપીનો કેકારવ/૫૦૩