પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મ્હારી નાદાની અને ત્હારી લિયાકત, યાર!
તેમાં દીદારની ઘડી લૂટાઈને જાતી!

ખાર અને આ શોર ત્યાં તું બુરકામાં આવ;
ત્યાંથી મગર એ શિકલે ગુલ જોઈ નહીં જાતી!

આશક આલમમાં ભર્યું સનમ! બધે ત્હેં ઝેર!
ચૂમે ન તું ત્યામ્ ઝેરની તાસીર નાજાતી!

લાખો, સનમ! તુજ ફરકતા પલ પલ બોસા કાજ;
આ બેગુઝુ પણ શિકલ ના ધરી ત્હને જાતી!

ખતા કરી ભૂલું ખતા, સનમ! હજારો વાર;
ભેટતાં તુંને મગર ના એ ખટક જાતી!

તું તો યારીનો સદા, સનમ! ધરી રહી હાથ;
આ હાથની રેખા મગર બૂરી નહીં જાતી!

કેમ કહું તુજને ઝતા કરવાને મુજ સાફ?
આ હાથની એ હાથથી ધોઈ નહીં જાતી!

કિસ્મત જામે શરાબનું ભરી શાહી ત્યાં મ્હેં જ
કે ચિલ્વનો માશૂકની ચીરી નહીં જાતી!

ના તાકાત મળે, સનમ! ના કિસ્મત પલટાય;
કમબખ્ત આ જુદાઈ તો ન કયામતે જાતી!

૩-૮-૧૮૯૯

સાકીને ઠપકો

સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં;
સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં!

મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે;
દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં!

આશક અને માશૂકને, પાવો એક જામે ને સીસે;
પાવો એક હાથે સાકીએ, ઇન્સાફ તેં કીધો નહીં!

મ્હારી ગઈ શરમે બધી, દિલદાર હુજ મહીં હજી;
ત્હારી બની ખાલી સીસી, પાવા ય ત્હેં રાખ્યો નહીં!


કલાપીનો કેકારવ/૫૦૪