પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તારી સવારી ફૂલની ક્યાં ક્યાં ફરે?
તેનો બનું ભમરો બની શું શું? સનમ!

જાણે વિંટાઈ ઝુલ્ફમાં છૂપી રહું!
તાકાત ના દીદારમાં રહેતી, સનમ!

છે દિલ્લગીનો શોખ કે તુંને નહીં?
તો આમ કાં? કાં બોલ ના આવી? સનમ!

જોઈ ત્હને આંખો નકામી આ બધે,
ફોડી દ‌ઉં પૂરી ત્હને આંખે? સનમ!

આ ચશ્મની તુંને ચદર ખૂંચે નકી,
કોને બિછાને તું સદા પોઢે? સનમ!

આપું જિગર ત્હોયે ન તું ત્યાં શું ત્હને?
માલેક આલમના જિગરની તું, સનમ!

તુંને કહું હું યાર તો ગુસ્સે નહીં;
ત્હોયે હસે છે દૂરની દૂરે! સનમ!

તુંને કહું ખાવિન્દ તો રીઝે નહીં!
ત્યાંયે હસે તું દૂરની દૂરે! સનમ!

૪-૮-૧૮૯૯

સનમની યારી

યારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ!
કોઈ ખુવારીથી ડરૂં યા ના ! સનમ !

તુજ તાજ કાંટાનો ઉપાડી લે, સનમ !
ખૂને ઝરે કૈં આલમો, ત્યારે, સનમ !

છે સોઈ તુંને કે નહીં દિલદારની ?
તુંને નઝર આ દિલ કરૂં યા ના ? સનમ !

કોઈ દીવાનો મસ્ત હો, લાચાર હો,
તેને રજા દરબારમાં યા ના ? સનમ !

મારે ટકોરે દ્વાર ખુલ્લે કે નહી,
ત્હારી પુકારૂં શેરિયે યા ના ? સનમ !


કલાપીનો કેકારવ/૫૦૬