પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે શોખ મિજમાનો ફકીરોનો ન યા ?
કૈં ઝિદ કરૂં દરવાનથી યા ના ? સનમ !

તકલીફની પરવા ન પીવા આવતાં,
હાથે મગર તું પાય છે યા ના ? સનમ !

લાખો જવાહિરો જહાં તુંને ધરે,
રાની કરૂં ત્યાં ગુલ રજુ યા ના ? સનમ !

જ્યાં લાખ ચશ્મો ચૂમતાં ત્હારા કદમ,
ત્યાં ભેટવા દોડું ત્હને યા ના ? સનમ !

નાલાયકી ને બેવકૂફી યારની,
ત્યાં તું શરાબીમાં ભળે યા ના ? સનમ !

શાહી ફકીરીથી ભળી જાણી નહીં,
દિલ ત્હોય ચાહે ચાહવું યા ના ! સનમ !

જોઈએ ત્હને ચશ્મે ઝરે છે ખૂન તે
ત્હારી હિનામાં રેડવું યા ના ? સનમ !

તું છે બધું, હું કાંઈ એ છું ના , મગર
યારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ !

૧૮૯૯

સનમની શોધ

પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ!

છે દુશ્મન લાખો ભુલાવા રાહને,
દુશ્મન બનાવી યાર અંજાયો, સનમ!

ગફલત મહીં હું, ઝાલિમો કાબિલ એ;
જુદાઈ યારોની મઝા એને, સનમ!

જે રાહદારીમાં અમોને લૂંટતું,
ઉમેદ બર આવો નહીં એની, સનમ!

તારી મદદ કોને હશે, માલૂમ નહીં;
શું યારના દુશ્મન સહે યારી? સનમ!


કલાપીનો કેકારવ/૫૦૭