પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્વર્ગગીત

ખોવાયેલાંને બોલાવોઃ
સ્વામીનો સંદેશો કહાવોઃ
પગ ધોવાને પાણી લાવોઃ
ખોવાયેલાંને માટે.

આવો, મ્હેલ ઉઘાડો, આવોઃ
દોરી દોરી દોરી લાવોઃ
આવોને ગાતાં સ્વામીને
ખોવાયાં સાથે.

ભૂખ્યાંને ભોજનમાં લાવો:
તરસ્યાંને દ્રાક્ષાસવ પાઓઃ
પાથરજો હૈયાં થાક્યાંને-
લાવો ખોવાયાં સૌને!

ના ખોવાયાં ના તરસ્યાં છેઃ
ખોવાયાં ભૂખ્યાં-તરસ્યાં છેઃ
સાથ તજી એવામાં જાઓ-
ખોવાયાં લાવો!

નવો સૈકો

લક્ષ્મી તણાં અમર પદ્મની આસપાસ,
ફૂટી ખીલી ખરી જતી કંઈ પાંખડીઓ;
વર્ષા તણાં શતક તેમ અનન્તતામાં
ફૂટી ખીલી ખરી જવા વહતાં હજારો.

ફૂટે, ખીલે, ખરી પડે કંઈ પાંખડીઓ,
ક્ષીરાબ્ધિનું કુસુમ એક જ લ્હેર મ્હાણે;
ત્યાં ભૃંગ જેય ચકચૂર સુધા મહીં તે,
આ પાંખડી ફૂટી ખરી ન ગણે, ન જાણે.

આત્મા અધિપતિ મધુપ અનન્તતાનો,
આત્મા અમીઝરણના રસનો વિહારી:


કલાપીનો કેકારવ/૫૦૯