પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વૃક્ષના ઘસારા થકી પર્વતોમાં આગ બળે,
શશાંક સમીર થકી દિલ ખાખ થાય છે.

છરેરા ને ખીણ બધાં છાઈ ગયાં ઘાસ વડે,
ઝૂકી રહી હાર, ઝાડ, વેલી પર પુષ્પની;
કામથી રોમાંચ વાર વાર થાય શરીરમાં,
થર થર ધ્રુજે દેહ મદનપીડા થકી.

બરફના કણ ઘણા ચોટી રહ્યા ટોચ પર
જીગરમાં પડ્યાં કાણાં મનોજનાં શરથી;
દિસતો સૂરજ નથી, અંધકારમાં વ્યાપી ગયો,
જીવ કેમ જતો નથી શરીરની મહીંથી?

પ્રીતિની રીતિ
સોરઠ

ધન તન દેતાં નવ ડરવું, ભાઇ, મનને વિચારીને ધરવું,
ચંદન વૃક્ષને વ્યાલ વિંટાયા, સાચવી તેને લેવું;
રત્ન પથ્થર કુંદનને કથીરમાં રત્ન કુંદનથી જડવું,
કરી ક્સોટી કરવી ખરીદી, પાછળ ના પસ્તાવું.
ધન, તન દેતા૦

પ્રીતરીત તે પ્રેમી પિછાને, સાગરે મોતી સમાણું,
જો દીધું દિલ કોઇને પ્રેમે, તેને તો નિજનું ગણવું;
એક જ રંગ નિભાવવો નિત્યે, નવરંગી નવ થાવું.
ધન, તન દેતા૦

૪-સુખમય અજ્ઞાન*[૧]
શિખરિણી

મહા સુખી સુખી પરમ સુખિયું તું તરુ, અરે!
શિયાળાની રાત્રિ યદપિ તુજને ખેરતી રહે!


  1. અંગ્રેજી કવિ કીટ્સના કાવ્ય "The Happy Insensibility" નો મુક્તાનુવાદ.


કલાપીનો કેકારવ/૫૨૩