પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મ્હને તે આ શાને રુધિર, નસ, અસ્થિમય ઘડ્યો?
અરે! એવામાં શું રુદન કરતો આ રસ કર્યો?
ન જાણ્યું ક્યાં બેસું? સમજણ નહીં, ક્યાં શિર ધરૂં?
અ રે રે! ના જાણું ક્યમ, શું કરવું આ ઉર તણું?

૧૮૯૬

૯-ખૂની વ્હાલા!
શિખરિણી

ખૂની વ્હાલા ! ના ના કહીશ મુજને 'માફ કરજે,'
ફરી આવી રીતે મુજ પદ મહીં તું નમીશ ના;
સખે! આવી રીતે અડ નહીં બુરાઈ નસીબની,
હશે ત્હારા ભાગ્યે જખમ કરવો નિર્મિત થયો.

'ખૂની' ને 'વ્હાલા' એ - સુખદ સૌ સંબોધન મ્હને,
નથી દેતું કૈં આ હ્રદય ઠપકો એમ વદતાં;
ખૂની તું થાતાં તો વધુ પ્રિય ત્હને હું થઈ શકું.
સખે ! એથી તો તો જરૂર વધતી કૈં નિકટતા.

મ્હને જે માર્યો તે જખમ તુજને શું નવ થયો?
ખૂની માયાળુ એ નયન તુજ ભૂલી નવ હજુ;
નકી હું જાણું છું તુજ હ્રદય જે ભાર વહતું,
અને ત્યારે એ જે ઉર તુજ થયું છેક ટૂકડા.

અરે! જોને! પ્યારા! તુજ મુખ ફર્યું આમ સઘળું!
પડી મીઠે ચ્હેરે સહન કરનારી કરચલી!
ભુલાવો દેનારૂં તુજ મુખ થયું આપ્ત જનને!
પિછાની તુંને લે કમનસીબ તો આજ નયનો!

પિછાની તુંને લે ! કંઈ પણ નવઈ નહિ જ એ,
હતાં મ્હારી સાથે પ્રભુ તરફનાં દિવ્ય સ્વપનાં;
હતી ત્હારાં અંગો સહુય કરમતાં નિરખતી,
વધુ હું જાણું છું તુજ જીગરની લ્હાય તુજથી.

સખે! બાલાઓને પૂછીશ જગમાં હું ભમી ભમી -
'ખૂની વ્હાલો તુંને હજુ સુધી મળ્યો કે નવ મળ્યો?


કલાપીનો કેકારવ/૫૨૯