પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મળ્યો જેને એ ના -પ્રણય પણ તેણે નવ દીઠો,
ખૂની કેવું ચ્હાયે - સમજી નવ એ વિશ્વ શકતું.

વને સીતાને તું જઈ પૂછ પ્રીતિ રામઉરની,
મઝા એ પૂછી જો જખમ કરતાં ખંજર તણી;
અરે! ભોળાં! ત્હારા ઝૂલમ મહીં જે માર્દવ ભર્યો-
અજાણી તેથી તો ભગિની તુજ આ ના રહી શકે.

સદા ત્હારી બંધુ! ફરજ કરજે પૂર્ણ સઘળી,
સખે! જ્યાં વેચાયો તહીં તુજ હલાલી ભજવજે;
અરે! મ્હારા વ્હાલા! ફરજ તુજ જો એ જ હજુ એ,
રહી આ છાતી - જો! તુજ કર મહીં ખંજર રહ્યું.

ઘટે આ મ્હોં સામે નહીં નહીં જરા યે નિરખવું,
નકી આનંદે હું સહન સઘળું એ કરી શકું;
સખે ! ત્હારાં પેલાં મધુર સહુ એ ચુમ્બન હતાં,
પરંતુ આ ત્હારું મધુતર મળ્યું ખંજર હવે.

ઉછેરી જે હાથે કુસુમકલીઓ જે મહકતી,
ચુંટી તે હાથે તે કુસુમકલી માળી લઈ શકે;
પરોવી માલા તે પ્રભુઉર તણી તું પણ સખે!
અરે ! ત્રોફી દેને મુજ શિર ઉપાડી શરીરથી.

અહો ! યજ્ઞે, પ્યારા ! બલિ થઈ શક્યું તે અમર છે,
અને હોમી દેતાં પ્રભુકર મળી બાંય પકડે;
અહીં વ્હાલાંઓનો વધુ ન ઉપભોગે મધુર કો,
હસી હોમી દેને તુજ બલિ ઠર્યું હું અગર કો

હશે ત્હારા ભાગ્યે જખમ કરવો નિર્મિત થયો,
અરે! ગા હું સાથે ઉપકૃતિ હરિની મુજ ભણી;
કૃપા એની કે ના મુજ કર મહીં ખંજર ઠર્યું,
નકી બાલાઓનો પ્રભુ ય ઉપયોગે સમજતો.

વિધિની કીર્તિ તો જગત પર છે એવી જ બધે,
તહીં યોગ્યાયોગ્યે નવી જ નકી કો થાય તુલના;
મ્હને તુંને ભાસે અઘટિત અને ક્રૂર સઘળું,
તહીંની તો પ્યારા, જરૂર સહુ તે યોગ્ય કરૂણા!


કલાપીનો કેકારવ/૫૩૦