પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સખે ! આવી રીતે રડ નહીં બુરાઈ નસીબની,
ઘટે આ રીતે ના જીવિત વહતાં કાયર થવું;
અહીં તો ખેતી છે જરૂર ફલ તો ઉપર રહ્યાં,
સુખે ના સ્હેશું કાં ક્ષણિક સહુ આ તાઢ તડકા?

ફરી આવી રીતે મુજ પદ મહીં તું નમીશ ના,
અરે! સાંભરી જો નમન તુજ તે તે દિવસનું;
અહો! એવી લ્હેરી મધુ સમયની અન્ય નવ કો,
સ્મૃતિ એ વેલાની જીવિત ધરવા શું બસ નહીં ?

હતાં કેવાં ગાત્રો ! તુજ સહુ ય આધીનમયતા
સખે! ચુંબીનાં એ તુજ નયન શાં યાચક હતાં !
હતું ત્હારૂં હૈયું પ્રથમ જ શીખ્યું પાદ નમવા !
હતી પેલી કેવી મધુર મગરૂરી ગળી જતી!

નથી ભૂલી મીઠા તુજ અધર પેલા ફરકતા,
નથી ભૂલી તે જે સમજણ પડી કંથની મને;
અહો! હું ભીરુ જે ચડી ગઈ હતી સ્વર્ગ દશમે -
નથી એ ભૂલી ને સ્મરણ તુજને ના ક્યમ દઉં?

ખૂની વ્હાલા ! ના ના કહીશ મુજને 'માફ કરજે,'
નવી છે આ વેળા તુજ કર મહીં લાડ રમવા;
રમાડી ત્યાં લેવી હજુ પણ રમાડી અહીં ય લે,
ફુલો ને ખડ્ગોમાં ફરક બહુ તો, બંધુ! નવ છે.

૧૮૯૮

૧૦-ખુદાની મઝા

ભલાઈને બુરાઈથી, દબાવવાનું લખ્યું જ્યારે -
ખુદાએ હાથમાં લીધી, કલમ શયતાનની ત્યારે!

બિચારાં ભીખ માગે તે, સદા એ ભીખ ન કૈં પામ્યાં;
બધા ઝાલિમ ઉપર પુષ્પો સદા આરામનાં નામ્યાં!

મઝાઓ 'આજ'ની લૂંટી ગયેલા છે ઝુલમગારો;
ભલાંઓને મળી જૂઠી બધી એ 'આવતી કાલો'!

ગુમાવી આજની મીઠી મઝા શી કાલના વ્યાજે!
ખુદાની શાહુકારી એ વળી દેવાળિયાની છે !


કલાપીનો કેકારવ/૫૩૧