પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અહીં હૂરી રૂપાળીને નઝરને ચોરવા નાખી;
તહીંથી આંખ ઉઠાવા નહીં તાકાત પણ આપી!

છતાં એ દ્રાષ્ટિને માટે સજા દોઝખ તણી સ્થાપી;
અને તાબે હમોને તો થવાનું ચૂપકી રાખી!

ખુવારીમાં અહીં આવ્યા: હમે માંગ્યું હતું ક્યારે?
ઉપાડી જાય છે ત્યાં એ હમારી માગણી ક્યાં છે?

અરે! આ આવવું શું ? ને જવું શું ? ને સજા શી આ
ખુદાને આ હમોમાં તે મદદની આમ શી આશા!

ભલાઈ આ હમારી કૈં નહીં આકાશનો ટેકો,
બુરાઈથી ન યા ફીટે ખુદાઈ કારખાનું કો!

ભલાઈ ને બુરાઈ આ હમારી છેક છે ન્હાની,
બુરાઈને હમે સ્હેતાં, ખુદાને બીક છે શાની?

હમે આત્મા બગાડ્યો છે બુરાઈને સદા ઇચ્છી;
મગર છૂપી જીગર માંહી ભલાઈનો રહ્યો વીંછી!

બુરાઈ આવડી ના આ ! ભલાઈમાં સદા સાંખ્યું;
હવે એ શીખવું બાકી હમે તો મોતમાં રાખ્યું!

બુરાઈનું સદા ખંજર, ભલાઈની ઉપર દીઠું!
ન લેવાતું ! ન સ્હેવાતું ! ન પીવાતું કરી મીઠું !

ખુદા ! ત્હારી મજેદારી, બુરાઈ શીખવે આવી
ભલે તો એ હમારે યે શિખી શિખી સદા ગાવી !

૧૮૯૮

૧૧-અસ્થિર મન

મન સ્થિર કર્યું, ગાને, ધ્યાને પ્રિયાવદને, વને,
મન સ્થિર કર્યું, તોયે જ્યાં ત્યાં કર્યું, ' ન કર્યું ' બને;
જગત પર તો કોઈ વ્હાલું સદા નવલું નહીં,
પ્રિય સહ છતાં હૈયું ધીમે પડે શ્રમની મહીં!

કુસુમરજ જ્યાં મોતેડામાં રવિ ઝુકતો ભરે,
ધવલ સરલા હંસી ગ્રીવા નમી ચળ આદરે;


કલાપીનો કેકારવ/૫૩૨