પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સરલ વહતું વ્હેણું ત્યારે હતી તરુછાંય શી!
સરસ વહતાં ચોક્ખી કેવી હતી જલઆરસી!
નહીં નહીં હવે સ્નાને આંહીં કદી ય બની શકે!
જલ પર હવે રંગીલી એ ન ઝાંય તરી શકે!

અરર! પ્રિયની એ તો પેલી શિલા હિરલે જડી,
કમલ લઈને કુંણે હાથે સુઅશ્રુમયી ઘડી;
પણ વહનને તે એ તોડી જવું જ પડે નકી,
ઉપર ધન ને નીચે સિંધુ: ઇલાજ કશો નહીં!

સ્થિરરસ થવા શ્રદ્ધા શોધે સદા દૃગપૂર્ણતા,
સ્થિરરસ થવા શ્રદ્ધા માટે દગો ય કરે ફર્યાં;
પ્રભુ પર છતાં શ્રદ્ધા દૃષ્ટિ ન પૂર્ણ પડે અને -
સહુ ચપલતા યત્ને યત્ને વધ્યા જ વધ્યા કરે!

તરુવર બધું કંપાવીને વહે પ્રતિ લ્હેરકી,
પણ થડ જરા ધ્રુજે ત્યાં તો શિખા ઝુલતી બની;
તુજ નયનમાં એવા ભેદો બધા અમથા ભરે,
સ્થિરરસ થવા જ્યાં ત્યાં સર્વે સમાન મથ્યા કરે!

મધુર અધરે ગાલે પેલી કુમાશ મજા સમી,
સ્થિરરસ થવા તેને એ આ ઉરે ત્યજતી કરી!
મુજ ગુરુ કહે તે માર્ગે મ્હેં જરા પગલું ભર્યું,
સ્મિત ઉડી ગયું ! રોવું ખોયું : છતાં સ્થિર શું થયું?!

નકી નકી ખરૂં આનંદી છે ન અસ્થિમાં કશું,
મુજ હ્રદયના એ તો લાંબા અનુભવથી કહું;
પણ સ્થિર થવા જેવું ભાસ્યું - તહીં પણ શું વળ્યું?
જીવનમય ને પાષાણોમાં ફરી ભળવું મળ્યું !

પ્રણય વહતો કોરે મૂકી બધા ઉપયોગ જ્યાં -
વગર સમજ્યે જ્યાં ચાલે છે દયામય આંસુડાં!
ફરજ પણ જ્યાં ટીંગાઈને જરી રમતે ચડે,
ઉપકૃતિ તણાં શીર્ષો નીચે નહીં પદમાં પડે!

ચમન મધુરો એ તો જો કે ભલા સ્થિર ના જરી,
પ્રિય ગુરુ ! અહીં ર્' હેવા દેને ! વિરામ મળે જરી;


કલાપીનો કેકારવ/૫૩૪