પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ - અરર ! ત્યાં પેલી મ્હારી કલી કરમાય છે !
ઉઠ ઉઠ - ગુરુ ! તૈયારી છે !છતાં અટવાય છે !

જલ વિણ સૂકાં નેત્રો થાશે, વિના સ્મિત મોં લુખાં-
પણ જઈ તહીં લેવાના છે ક્યાં સુખઝૂમખાં?
મુજ હ્રદયનો આંહીં પૂરો વિહાર નથી થયો,
મુજ હ્રદયને આ બાગેથી હજી રસ ના થયો!

અરર! નિરખે શાને હૈયાં જહીં જઈ ના શકે!
રજ પણ - અરે! શાને જોવી વિહાર બહાર જે!
મધુર ફલ તું તોડી લેને, ન દ્વેષ કશો મ્હને,
ફલ અમર છે, હું આવું છું: ન કાળ બહુ જશે.

રહી શકીશ તો ર્'હેવું હાવાં પ્રવાહપતિત છે,
પણ નવીન આ જોયું તેની કહીં ચિનગી જશે?
નવ મળી શકે તેની ઝાંખી કહીંથી ય થૈ પડે!
પછી રુધિરમાં પોતાના એ જહાં તફડ્યા કરે!

જગત સઘળું કેવા કેવા સ્વરે સ્વરથી ભર્યું !
પણ, સ્થિર નહીં એકકે વીણા, બધું બસુરું બન્યું !
બુલબુલ અહીં , આ કોકિલા, મયૂર તહીં લવે !
પણ સહુ ય એ ભાષા જાણે કંઈક છૂપું રડે!

મુજ ગુરુ અહીં, આ એ વ્હાલી ! તહીં સખી બાપડી!
મુજ શ્રેઅવણમાં રેડે જૂદી બધાં નવી વાતડી!
પણ હ્રદયતો મ્હારું જૂદાં સિતાર મહીં ઝુમે !
પ્રતિ નખ અને તારે નાદો જૂદા જ જૂદા ઘૂમે!

ટમટામ થતી પેલી ઉભી નભે નવી વાદળી,
રવિકિરણને પી જાતી ને નવીન મદે ભરી;
કટિ પર ધરે રંગીલી કો સુરંગની મેખલા,
ઝળહળ થતાં તાકે ખાતી વળી કંઈ હીંચકા!

જગત પર કૈં આવું આવું જરૂર બની શકે ,
પણ રવિ જતાં કાળા રંગે નકી ભળવું પડે;
સ્થિર જરી ય કો રાતો પીળો સુરંગ રહે નહીં!
ત્યજી દઈ બધા રંગો બ્હારે જવાય વળી નહીં.


કલાપીનો કેકારવ/૫૩૫