પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ક્યારે એ જો વિસરી દુઃખ હું લેશ આનન્દ લેતો,
ત્યારે વ્હાલી દ્વિગુણ દુઃખમાં ડૂબતો હું ફરી તો;
‘હું આવો શે અનુભવી શકું હર્ષ પ્યારી રડે ને!’
હૈયું મ્હારું સળગી ઊઠતું કાંઈ એવા વિચારે.

જૂદાં થાતાં મુખ તુજ હતું ગ્લાનિપૂરે છવાયું,
સ્વપ્નામાં એ નિરખું છબી તો આંસુડાં ઢાળતો હું;
હૈયામાં એ ચિતરી કદી હું હાસ્ય ત્હારું શક્યો ના,
રોતો હું ને રડતી પ્રિય તું એ જ ચિત્રો હતાં ત્યાં.

મીઠાં ત્હારાં નયન દિલના લક્ષ્યમાં એક ધારી –
જોતો હું જ્યાં નિમિષ તજીને ચન્દ્રનું બિમ્બ પ્યારી!
આલેખાતું તુજ મુખ તહીં ધ્રૂજતા ઓષ્ઠવાળું,
ને એ ત્હારું શરીર દૂબળું શોકઓઘે છવાયું!

રોપાતો ત્યાં વિનિમિત થઈ શોક મ્હારે દિલે હા!
રોતી તું ને મુખ મુજ બધું ભીંજવી અશ્રુ દેતાં;
એ આંસુ કે વિરહઉદધિ ઊછળી ઊછળીને–
અત્યારે એ વિગત દુઃખમાં ડૂબવી દે મને છે.

અત્યારે એ હૃદય ગળતાં અશ્રુની ધાર વ્હેતાં,
ભીંજ્યા ત્હારાં કમલ સરખાં નેત્રના લાલ ખૂણા;
ત્હોયે પ્યારી! મધુર સ્મિત છે સ્નિગ્ધ ઓષ્ઠે છવાયું,
ને હા! વ્હાલી! વપુ તુજ દિસે હર્ષના ઘેનવાળું.

ઓળંગી તું ઉદધિ દુઃખનો ત્યાં નિહાળી રહે છે,
મ્હાલે છે તું સુખઅનિલમાં હાસ્ય તેથી કરે છે;
વ્હાલી! આવા સરલ હૃદયે પ્રેમ જે દાખવે તું –
તેના સામે નિરખી શકું હું એ જ સામર્થ્ય યાચું!


૧૪-૨-’૯૫

વિષપાન



અહો ઘોળી પીધું મધુર વિષપ્યાલું, પ્રિય સખા!
હવે હું ભૂલું છું જગત સઘળું તે લહરીમાં!
ધીમે ધીમે મૂર્ચ્છા મુજ મગજને ચુમ્બન કરે,
અહા! હું ગાતો તે અનુભવી શકું છું સુખ હવે.

કલાપીનો કેકારવ/૧૦૨