પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ ઝૂરી મરશે રે સારસી બાપડી તો,
જખમ નહિ રુઝાશે પ્રેમનો કારી લાગ્યો.

અનુષ્ટુપ

પ્રેમીએ પ્રેમી જાતાં કો’ બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે’ મળે ખરો?

અનુષ્ટુપ

જોડવી એક જોડીને બે કો ખંડિત થાય તો,
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.

શિખરિણી

અઢેલી બાઝીને તરુ રાહ રહે ખીલતી લતા,
દઈ પુષ્પો પ્રેમે લઈ રસ જીવે છે પ્રણયમાં;
સુખી આવા દહાડા સરકી કંઈ જાતા રમતમાં,
અને એ વેલીને મરણપડદામાં લઈ જતા.

શિખરિણી

મરેલી વેલીનું સ્મરણ નવ ભૂલે તરુ કદી,
અને પ્રેમી ગાળે દિવસ દુઃખના કૈં રડી રડી;
પરન્તુ ચાંપે છે હૃદય પર બીજી લઈ લતા,
અને પ્રેમે રેડે મધુર રસ તેના હૃદયમાં.

શિખરિણી

ધીમે ધીમે આવું તરુ થઈ જઈ વૃદ્ધ મરતું,
અને વેલી વેલી રુદન કરતી કૈં દુઃખભર્યું;
છતાં ટેકો બીજા તરુ પર લઈને ય જીવતી,
અને આપી પુષ્પો જીવિત નિજ તે પૂર્ણ કરતી.

અનુષ્ટુપ

ન કિન્તુ સારસી આ તો આવો માર્ગ કદી ગ્રહે,
એકને દિલ અર્પ્યું તે બીજા કો’નું નહીં બને.
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈએ નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ: પ્રેમીને લક્ષ્મી તે બધી.

માલિની

ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને;
રસ દઈ લઈ લીધો ઈશ્વરે છીનવી તો,
હૃદયહીણ બિચારાં પ્રેમીને મૃત્યુ આપો.

અનુષ્ટુપ

પ્રેમીનો હોય બેલી કો’ તો આનું કૈંક થવું ઘટે,
પામે છે ત્રાસ મ્હારો તો આત્મા આ દુઃખ જોઈને.

હરિગીત

ત્યાં કાંઈ આ વન મહીં હિલચાલ થાય,
પક્ષી બધાં ઊડી ઊડી અહીં શાં તણાય!

કલાપીનો કેકારવ/૧૦૬