પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દઈ દિલદારને ધક્કો, કજાના હાથમાં દેતાં–
અરે! એ પેશકદમીથી કહે તુજ હાથ શું આવ્યું?

કદમ તુજ બેસવા ગભરૂ પડ્યો’તો પેરમાં ત્હારા–
જફામાં ફેંકતાં તને, અરે! તુજ હાથ શું આવ્યું?

હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝહેરનું પ્યાલું!
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?

મુકદ્દરમાં હતું તેવું બન્યું તુજ હાથથી માલિક!
પરંતુ એ દગો દેતાં કહે તુજ હાથ શું આવ્યું?

હતો બસ મોતનો પ્યાલો! ખુશીથી જાત પી ફિદવી,
રહેતાં ચૂપ તો એવું કહે તુજ હાથ શું આવ્યું?

“જામે શરાબ માશૂકને ભરી દે ઓ ભલા સાકી”–
હસીને બોલતાં એવું કહે તુજ હાથ શું આવ્યું?

ભરી દેતાં રડ્યો સાકી, ત્યારે તું થઈ ગુસ્સે–
તેને લાત તે દેતાં કહે, તુજ હાથ શું આવ્યું?

ખુદા પાસે દુવા ત્હારી રડીને માંગતું’તું દિલ,
ખંજર ભોકતાં તેને કહે તુજ હાથ શું આવ્યું?

“ફૂલોની ગેંદ છે, માશૂક !” છુરી છુપાવી બોલી–
અહો! ખિલાફ એ કહેતાં અરે ! તુજ હાથ શું આવ્યું?

જીગર અશરાફ આ મ્હારે ખતા તુજ માફ કીધી છે;
હવે તોબા સદા કરજે, ખુદા માફી તને બખ્શે.

રહે આબાદ તું દિલબર! અને ખંજર અને પ્યાલું!
અરે! પણ ઈશ્ક કરવાથી હમારે હાથ શું આવ્યું?

૩૦-૬-૧૮૯૫

તું મ્હારી હતી

બહેતર બોલવું; પ્યારી! “નથી ને ના હતી યારી”;
પરન્તુ ના કહેજે તું, “હતી ન હતી થઈ ત્હારી!”

નહીં આ ઇશ્કદરિયાનાં ચડ્યાં મોજાં ઊતરવાનાં,
નથી તું યાર આજે તો, હતી દિન કોઈ ના યારી!

કલાપીનો કેકારવ/૧૦૯