પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કમલવત ગણીને બાલના ગાલ રાતા,
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

અનુષ્ટુપ

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

વસંતતિલકા

ત્યાં ધૂલ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

મંદાક્રાંતા

ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાન્ત બેસી રહીને,
જોતાં ગાતો, શગડી પરનો, દેવતા ફેરવે છે.

અનુષ્ટુપ

ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે “આવો, બાપુ !” કહી ઊભો.

શાર્દૂલવિક્રીડિત

“લાગી છે મુજને તૃષા, જલ ભરી દે તું મને” બોલીને
અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાઓ જુવે;
“મીઠો છે રસ ભાઈ! શેલડી તણો” એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

વસંતતિલકા

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

અનુષ્ટુપ

“બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા”,
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

મંદાક્રાંતા

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિન્દુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
“શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે ?” આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

અનુષ્ટુપ

“રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ”;
“નહિ તો ના બને આવું;” બોલી માતા ફરી રડી.

કલાપીનો કેકારવ/૧૧૧