પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વસંતતિલકા

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતા તણે પગ પડી ઉઠીને કહે છે :-
“એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ !
“એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ !

શાર્દૂલવિક્રીડિત

‘પીતો’તો રસ મિષ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું-
“આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
“છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો તે હું વધારું હવે,
“શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

ઉપજાતિ

“રસ હવે દે ભરી પાત્ર બાઈ !
“પ્રભુકૃરુપાએ નકી એ ભરાશે;
“સુખી રહે બાઈ! સુખી રહો સૌ,
“ત્હમારી તો આશિષ માત્ર માગું !”

વસંતતિલકા

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

૧૪-૧૦-૧૮૯૫

બિલ્વમંગલ

છુપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમ‌અંકે,
નિદ્રા મીઠી ગિરિ, નદી અને વિશ્વ આખું ય લે છે;
ને રૂપેરી શ્રમિત દીસતી વીજળી એક સ્થાને,
સૂતી સૂતી હસતી મધુરું સ્વપ્ન માંહી દીસે છે!

આવી રાતે ધ્વનિ કરી મહા શ્યામ વ્હેતી યમુના,
તેના બહોળા જલ ઉપરની ભેખડે કોણ છે આ?
કૂદી નીચે જલ સમીપ તે માનવી આવી ઊભું,
ને શોધે છે કંઈ પણ કશું હાથ તેને ન આવ્યું.

એવામાં ત્યાં શબ જલ પરે કોઈ આવે તણાતું,
હોડી તેને સમજી જલદી જોરથી ઝાલી લીધું;
ને આ ચાલ્યો પુરુષ તરતો ઉપરે તેની બેસી,
હર્ષે બોલ્યો, “પ્રિય! નકી થશે આજ તો આશ પૂરી.”

કલાપીનો કેકારવ/૧૧૨