પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ત્યાં તો અભ્રે ધવલ ભડકા વીજળીએ કર્યા શા!
તેથી સર્વે તરુ, નદી અને પહાડ તેજે છવાયાં;
ગાજી ઉઠ્યું ચમકી વન આ મેઘની ગર્જનાથી,
નિદ્રામાંથી મયૂર ટહૂક્યા હર્ષથી જાગી ઉઠી!

છો ઊઠીને મયૂર ટહૂકે, પ્હાડ ગાજે ભલેને!
તેમાંથી તે મગજ નરનું કોઈથી એ ન જાગે!
દૃષ્ટિ તેની શબ પર હતી ત્હોય જોઈ શકે ના!
છોને આખું જગત સળગી વીજળીથી બળે આ!

તેની પત્ની હૃદયવિભૂતિ સ્નેહની જે સરિતા,
તેની પાસે જિગર ઘસડી જાય છે લેઈ હાવાં;
આલેખાયું હૃદયપટમાં ચિત્ર વ્હાલી તણું છે,
અંગોમાંથી જીવન સઘળું ત્યાં જ આવી રહ્યું છે.

દોરાતો આ પ્રિયજન કને આમ આશા ધરીને,
પહોંચી ઊભો શબ ઉપરથી ઊતરીને કિનારે;
પાસે મૂકી મૃત શરીરને મસ્ત પ્રેમી વદે છે:–
“દીવા મ્હારી પ્રિય સખી તણા ઓરડાના દીસે તે.”

અન્ધારામાં ત્વરિત પગલે ડોલતો ચાલતો આ,
આવી પહોંચી પ્રિયગૃહ કને જોઈ ઊંચે ઉભો ત્યાં;
ગોખેથી ત્યાં લટકી ઝૂલતું કાંઈ દોરી સમું છે,
ઝાલી તેને ઉપર ચડીને ગોખ માંહીં ઊભો તે.

દીઠી તેને હૃદય ધડકે જેમ ચીરાઈ જાતું,
દીઠી તેને અવયવ બધા પિગળી જાય છે શું;
દીસે તેને ચકર ફરતો કંપતો ઓરડો એ,
કામી પ્રેમી અનિમિષ રહી પ્યારીને નીરખે છે!

જોઈ લેજે ફરી ફરી સુખે પ્રેમનું સ્થાન પ્રેમે,
આગે મીઠી સુખની વખતે કોઈ વેળા ન આવે,
આવી પ્રીતિ તુજ ન વખતે હોય કાલે પ્રભાતે,
આ આશાનું મધુર સુખ તો આજ ઊડી જ જાશે.

જોઈ લેજે ફરી ફરી ભલે દૂરથી જોઈ લેજે,
ઇચ્છે તેવું સુખ અનુભવી આજની રાત લેજે,

કલાપીનો કેકારવ/૧૧૩