પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ત્હારે માટે દિવસ ઊગતાં કાંઈ જુદું જ ભાગ્ય,
ત્હારો નિર્મ્યો કરુણ પ્રભુએ કાંઈ જૂદો જ માર્ગ!

જોને ત્હારી યુવતી રમણી શાન્ત નિદ્રસ્થ આ છે,
ને વેલી શું શરીર સુખમાં શાન્ત શૈયા પરે છે;
નિદ્રા મીઠી કર સુખભર્યા ફેરવે છે કપાલે,
શું મૃત્યુથી કબજ થઈને અંગ સર્વે ઢળ્યાં છે!

નિદ્રાનું આ સુખ ત્યજી દઈ ઊઠીને સુન્દરી તું,
ચાંપી લેને હૃદય હૃદયે મિત્રનું સુન્દરી તું;
એ હૈયાનો રસ તુજ પરે ખૂબ વર્ષી રહ્યો છે,
રાત્રિના બે પ્રહર સુખમાં પૂર્ણ માણી હવે લે!

આ રાત્રિમાં તુજ પ્રિય કને મીઠડાં ગીત ગાવાં,
ત્હારે તેની જરૂર કરવી આજ તો તૃપ્ત આશા;
ત્હારે કાંઈ મધુર સુખમાં આજ છે ઝૂલવાનું,
કાલે તો કો’ નવીન રસના સિન્ધુમાં ડૂબવાનું.

પેલો કામી પુરુષ હજુ ત્યાં ગોખ માંહી ઊભો છે,
તેનાં કામી પ્રણયી નયનો પ્રેમીને નિરખે છે;
ત્યાં દીવામાં ચડચડી મર્યું એક ભોળું પતંગ,
જોવા લાગ્યો સ્થિર નયનને ફેરવી ત્યાં યુવાન!

બોલી ઉઠ્યો, “અહહહ પ્રભુ! સ્નેહની આ દશા શી?!
“ઓહો કર્તા! તુજ કરણીમાં આવી તે ક્રૂરતા શી?!
“પ્રેમી ભોક્તા પ્રણયી હૃદયે ભોજ્યની પાસ આવે,
“તે ભોક્તાનું જિગર કુમળું ભોજ્ય તે કેમ બાળે?!

“કાંઈ મીઠું સુખ નકી હશે પ્રેમીને બાળવામાં,
“ને કૈં તેથી વધુ સુખ હશે પ્રેમીને દાઝવામાં;
“બાળી દે તો પ્રિય સખિ મ્હને!” એટલું બોલી દોડી,
સૂતેલીના હૃદય સહ તે ધ્રૂજતી છાતી ચાંપી!

જાગી બોલી ચમકી લલના, “જીવના જીવ મ્હારા!
“શું અત્યારે તુજ સખી કને આમ આવ્યો જ ! વ્હાલા!”
ને બન્ને એ હૃદય ધડક્યાં સાથ સાથે દબાઈ,
ભાને ભૂલી પ્રણયી સુખિયાં શાન્ત પામ્યાં સમાધિ.

કલાપીનો કેકારવ/૧૧૪