પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગભરુ ઉભયે મુગ્ધ પ્રેમી વદી પણ ના શકે,
કર કર વતી ચાંપી દેવા ન ધૃષ્ટ બની શકે.

પરન્તુ પ્રીતિમાં શરમ ટકી તે ક્યાં સુધી રહે?
તુફાની સિન્ધુની ભરતી અટકી તે ક્યમ શકે?
ચડેલાં ઉફાળે કુદરત તણે જ્યાં ઉર વહે,
વહે વ્હેતાં એ તો, જગતપ્રતિબન્ધે ન અટકે.

વહ્યાં વહેતાં એ ને શપથ પણ લીધા પ્રણયના,
હતું હૈયામાં તે ઠલવી પણ ચૂક્યાં કુસુમડાં;
ક્ષણો બે વીતી ને અધર અધરે એ દઈ ચૂક્યાં,
કુમારાં બન્ને એ દિલ હજુ કુમારાં પણ હતાં.

બગાડી દેવાને પ્રણયરસની દૈવી સરિતા,
વિકારો સંસારી જરી પણ અડ્યા ત્યાં નવ હતા,
હતાં અર્પી દેતાં હૃદય કુમળાં માર્દવભર્યાં,
હતી એ ઇચ્છાને જગત તૃણ શું અન્ય ગણતાં.

વાતો કૈંક થઈ અને જિગરનાં ખુલ્લાં પડો એ થયાં,
તેમાંથી અતિ દિવ્ય કો’ રસ તણાં ફોરાં ઊડી ત્યાં રહ્યાં;
તે આત્માદ્વય એકમેક થઈને ઊંચે રહ્યા ઉડતા,
ઊડી પૂર્ણ અભેદના ઝળકતા આનન્દકેન્દ્રે ગયા.

ન લાગે કૈં વેળા પ્રણયી પ્રણયીથી મળી જતાં,
રહે ના કૈં ભીતિ રતિરસ તણું ઐક્ય બનતાં;
ભલે પ્રીતિ પ્હેલાં પરિચય કદિ લેશ નવ હો,
ભલે પ્હેલી દૃષ્ટિ પ્રણય કરવાનો સમય હો.

અપેક્ષા પ્રેમીલું હૃદય ન પરીક્ષા તણી કરે,
વિના શંકા ક્યાંથી જરી પણ પરીક્ષા થઈ શકે?
અને કોઈ ડાહ્યાં કરી કરી કસોટી પ્રીતિ કરે,
અરે! ત્હોયે તેમાં બહુ જન બિચારાં રડી મરે.

પ્રણયી રસિલાં! ઝુકાવ્યું તો ભલે તમ વ્હાણ આ,
બહુ બહુ ડૂબ્યાં ને તો ભોળાં તમે તરી ઊતર્યાં;
જગત હસશે, રોશો વ્હાલાં અને મરશો દુઃખે,
પણ પ્રણયના લ્હાવા લેવા સુમાર્ગ જ આ જ છે.

કલાપીનો કેકારવ/૧૨૨