પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતી તું એ શીખી દુ:ખ તુજ છુપાવા ગરીબડી,
છતાં ઊંડા છાના રમત કરતાં શ્વાસ મૂકતી.

નિસાસા લેતાં ને રમત કરતાં તું સૂઇ જતી,
અને ત્યારે ત્હારું રુદન કરતો મુખ નિરખી;
ખરે! બચ્ચાં પાસે રુદન કરવું પાતક ગણી,
અરેરે! ના ધોયું તુજ મુખ કદી મેં રુદનથી.

હવે તો તું વ્હાલી મુજ પ્રિય તણી થાપણ જતાં,
ઘટે ભૂલી જાવો દુ:ખમય ઇતિહાસ સઘળો;
કહે છે “પ્રીતિ” તે જગત પર તો રાગ જ બધો,
ખરી પ્રીતિમાં ના કદિ પણ રહે કષ્ટભડકો.

ભણ્યો તુંથી આજે પ્રણય કરવા આ જગતથી,
ત્યજી સ્વાર્થી અશ્રુ પિગળીશ દયાના રુદનથી;
અહીં ત્યાં સર્વેમાં અનુભવીશ હું પ્રેમમયતા,
વિના સ્વાર્થે ભાગી બનીશ સહુના હું રુદનમાં.

વહે સુસ્તી છોડી લૂછીશ જગનાં અશ્રુ સઘળાં,
બની અંગારો હું ભળી જઈશ દાવાનલ મહીં,
અરે! ઊંઘ્યો ઝાઝું, પણ થઈ પૂરી છે રજની આ,
નવા સૂર્યે પૂર્યું નવીન અજવાળું હૃદયમાં.

હવે જાણું છું કે પ્રતિ ગતિ તણી છે અસર, ને
બધાં બ્રહ્માંડોને અસર કરનારી પ્રતિ ગતિ,
ગમે તેવી ન્હાની કૃતિ અસર વિના નવ રહે,
ગમે તેવું ન્હાનું જન શુભ બહુ એ કરી શકે.

જરા ફેંક્યે ખૂણે અગર વચમાં કોઇ પથરો,
વહે કુંડાળું તે ઉદધિ સઘળામાં નકી નકી;
ભલે ના દેખાયે, પણ અસર તેની જરૂર છે,
મહા તેવી રીતે જનકૃતિ તણી એ અસર છે.

નકી માનું છું કે અસર વાળી સર્વે અમર છે,
ન એ બ્રહ્માંડોના પ્રલય બનતાં એ કદી ખસે;
રહેશે જે તત્વો અતિ અતિ અતિ સૂક્ષ્મ જગનાં,
રહેશે તેમાં એ અરસ સઘળી સૂક્ષ્મ બનીને.

કલાપીનો કેકારવ/૧૩૫