પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં કૈં જ શંકા ના કરી યા કંઈ તસલ્લી ના થઈ,
મળી માહિતી મુજને હવે 'બાતલ જહાંથી હું થયો'!

મ્હારી સિફારીશ ખુદ જિગર મહબૂબનું કરતું હતું,
આહ તેની એ તરફ થઈ સખ્ત એ દિલદાર તો!

મ્હારા જિગરખૂનનો કરીને હોજ તેમાં નાહી તે,
ને તે હમામે હું વળી જાદૂથી ખેંચાઈ પડ્યો!

ત્યાં શું કર્યું? ત્યાં શું થયું? તેનું ન ભાન કશું રહ્યું!
ત્યાંથી શિતાબી નિકળી ગાફિલ હું ગાંડો થયો!

કૌવત ગયું ને મર્ઝ ચોંટ્યો! ગઈ સનમ તો દૂર દૂર!
આ નેક દિલ ફટકી ગયું! તેનો હિમાયતી કોણ કો?

દે શુક્ર ઓ વાલી ખુદા! ગમખાર બેગાના પરે,
તેને સમાલી લે, બન્યો દરવેશ તે તો ઇશ્કનો!

બેકદરના યારને ના છે સનમ, ના છે ખુદા,
વા ના ઇબારત દર્દનું કૈં તાન ગાવાને અહો!

તો ઠીક છે, તું ઠીક છે, તું પાંખડી ઘેલાઈની,
ઓઢી તને મૂંગો રહી રોતો રહું હું એકલો!

રોવું થયું હાસિલ છે આ ખૂનને ટીપે ટીપે,
હસતી ભલે એ બેકદર! હું બેકદર રોતો ભલો!

૯-૨-૯૬

માફી

દરગુઝર કર એ ખતા તો દરગુઝર કરવી ઘટે!
કર ખૂન ત્હોયે ના ખૂની તું : એ સજા એ ઠીક છે!

આ ખૂન ને આ ઝિંદગી લેતો નથી તુજને હરામ,
લે તો ખુદા નાખુશ નથી ફરિયાદ યા મ્હારી ન છે!

દિલ કુમળું તુજ કમ્પતાં ત્યાંથી ઝર્યો મીઠો શરાબ,
તે જામ તેં મુજને ધર્યું, "દિલદાર પી લે" બોલીને!

કમબખ્ત મેં ઢોળી દઈ "જા જા જલાવી દે" કહ્યું
એ માફ કર એ માફ કર દાનાઈથી હેવાનને!

કલાપીનો કેકારવ/૧૩૭