પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૯૭
 




સ્વયં પ્રકાશ

• રાગ ભૈરવી — તાલ દાદરો •


તારાં અંધારાં આ તે કેવાં રે ?
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! — તારાં∘ ( ધ્રુવ )


અંધારાં આગળ, અંધારાં પાછળ, અંધારાં અંદર બહાર :
કોણ ત્યાં દીપ ધરે તુજ પાસે ? કોણ ઉતારે પાર ?

બહુ જીવન વસમાં વહેવાં રે :
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! — તારાં∘ ૧


કંઈ કંઈ યુગનો તું ખંડપ્રવાસી, કંઈ કંઈ તારી આશ :
કહીં અથડાતો, કહીં રસ લહાતો : શોધે હજી ક્યાં પ્રકાશ ?

તારાં અંતર વેવલાં એવાં રે :
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! — તારાં∘ ૨


જન્મે જન્મે તું નવનવ દેહે, રાજે બની નવરાજ ;
તારી એ હોડીનો તું જ સુકાની : એ સાગર, એ જહાજ :

રણે એકલશૂરનાં જેવાં રે,
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! — તારાં∘ ૩