પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
કલ્યાણિકા
 


ઊંઘતાં આંખમાં ઊતરે અંધારાં, સ્વપ્ને ઊગે તોય તેજ ;
આત્માની એકલતામાં યે એવાં કિરણ ફૂટે શ્રમ સહેજ,

વૃક્ષે ફૂલ ઊગે નિજ તેવાં રે :
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! - તારાં∘ ૪


ઊંડા અંધારભર્યા અવકાશે, પડ્યા તારાના પંથ :
આપપ્રકાશે જ વીંધી અંધારાં, ઘૂમી રહ્યા નભસંત !

એને કોનાં તે ધારણ લેવાં રે ?
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! - તારાં∘ ૫


આંખ ઉઘાડી ત્યાં દીપ ઝળકશે, તારો ન ભોમિયો અન્ય :
નાથનું નામ દઈ પડ આગળ, અદ્દલ જીવન કર ધન્ય !

છોને પળપળ અંધારાં સહેવાં રે !
જીવ ! તોય છે તુજ તેજ કેવાં ! - તારાં∘ ૬