આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
કલ્યાણિકા
એક નયનમાં છે છૂપ્યાં રે
સાતે સ્વર્ગનાં જ્યોતિસ્વરૂપ :
કીકીએ પડી જગપાંદડી
ખસતાં ઊઘડે અનંતના કૂપ રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી ! ૪
ધોવાયાં અંજન ધૂળનાં રે
ને ત્યાં અંજાયા દેવપ્રકાશ :
સ્નેહ ને ધર્મની સાંપડી
ત્યાં કો મોંઘી અનેરી મીઠાશ રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી ! ૫
કોઈએ જોયાં, જીરવી જોગવ્યાં રે
એ નવનયનતણાં આશ્ચર્ય :
એક જ દાણે ઢાંક્યાં હતાં
તે આ સાંપડ્યાં સુરસૌંદર્ય રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી ! ૬
ગંગાસ્નાન દઈ અશ્રુનું રે
કીધાં અત્મનયન રસલોલ :
એક એક કિરણે ઝૂલતો
અદ્દલ આનંદ ઝાકમઝોલ રે !
સંતો ! એવાં ઊગ્યાં અજવાળિયાં એ જી ! ૭