પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આનંદ
૧૧૯
 




સર્વગોચર

• પદ[૧]


નાથ ! જ્યાં જ્યાં હું જોઉં ત્યાં તું જ રે !
તું જ ખીલી રહ્યો વિશ્વકુંજ રે :
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ? - (ધ્રુવ)

કનકે રેલ્યાં દ્વારથી રે
દીસે સૂર્યભર્યો તુજ હાથ ;
જ્યોતિફુવારા ફોરતો
સૌને તેમાં ઝગાવે સાથ રે :
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

સંધ્યા ઉષાના કેશમાં રે
તારી અંગુલિઓ કરે ગેલ ;
પળપળ નવનવ રંગમાં
તેમાં રેલે હૃદયરસ રેલ રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?


  1. "સાધુ ! વોહી બિધ રહેના રામસે એ જી." — એ ભજનની રાહ.