પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૦
કલ્યાણિકા
 

કાળી અંધારી રાતમાં રે
તારી દિવ્ય ચરણરજ સોહ્ય ;
અનંતતાના પંથમાં
તારકપગલી પડી સહુ જોય રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

સાગર કેરી ઊર્મિમાં રે
તારા ઊછળે સનાતન સૂર ;
તેમાં અબોલ ઊંડો વહે
પેલો નાદ તારો ભરપૂર રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

ફૂલે ફૂલે નૂર ઝૂલતું રે
તારો શ્વાસ સુગંધિત વાય ;
થળથળ લીલા લસી રહી
તારું હૃદય બહેકાવે માંહ્ય રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

પ્રાણી પ્રાણીના પ્રાણમાં રે
ઝળે તારું જ ચેતન એક ;
ઠોકી રહ્યો ઉરબારણાં :
તારો ગજવું અદ્દલ અહાલેક રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?