પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૪
કલ્યાણિકા
 


ડુંગર પર ડુંગર જ્યાં ઘનના ખડકાઈને રે
દૃષ્ટિ ડુબાવે ચારે કોરે રે,
લોચન ઉઘાડી તું ત્યાં અમને હીંચોળે રે
રંગરંગભર્યા હીરદોરે રે !
તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે !

વસમાં છે વિખડાં તો અમૃત તેં આપ્યાં રે,
કાંટા ઊગ્યા તો ફૂલ કીધાં રે ;
માટીનાં પિંજરે યે પ્રાણ ઉડાવ્યા રે,
દુખમાંથી સુખ તેં જ દીધાં રે !
તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે !

તારી તે મહેર, મારા માલિક ! ક્યાં અટકે રે ?
આપ્યો તું જાય કોટાનકોટી રે !
અદ્દલ બ્રહ્માંડો ભલે ઊભાં રહે સામે રે,
તારી છે બાથ કેવી મોટી રે !
તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે !