પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૬
કલ્યાણિકા
 


આપી આપીને તું આપશે શું ?
આપ્યું ન પૂગે જરાય :
જગત ખૂટે, તારાં સ્વર્ગો યે ખૂટે :
હૈયું ન મારું ધરાય રે :
મને નાથ જીત્યાના કોડ ! ૩

હાર ને જીતના ખેલ મેં માંડ્યા,
ત્યાં તે શા ઓડવા હાથ ?
હારું તો જગત ને જન્મ હું હારું :
જીતું તો તુજને, હો નાથ રે !
મને નાથ જીત્યાના કોડ ! ૪

તારો નમાલો ભક્ત ના ગણતો,
ગણજે મને નરવીર !
લાખો તારાના ભાલા હું ભોકી
ચીરું આ વિશ્વનાં ચીર રે :
મને નાથ જીત્યાના કોડ ! ૫

વીંધું આકાશ ને ફોડું પાતાળ ને
જીતું તુજ તખ્ત ને તાજ !-
" માગ રે માગ " તું કહે, પણ માગું શું ?
મારું જ છે તુજ ઉરરાજ રે !
મને નાથ જીત્યાના કોડ ! ૬