પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૦
કલ્યાણિકા
 

કડી ૪. કોઈક ખાણમાં રત્ન છુપાઈ રહ્યું હોય, કોઈ પત્થરની અગ્નિ છુપાઈ રહ્યો હોય, એમ તારું સત્ય છુપાઈ રહ્યું છે. हिरण्मयेन पात्रेण सस्यस्यापि हितं मुखम् । સુવર્ણના પાત્રથી સત્યનું મુખ ઢંકાઈ ગયું છે. બધે અંધારું છવાઈ ગયું છે, ત્યાં હૈયાંને કોણ ઉધાડી શકશે ?

કડી ૫-૬. કોઈક શરમાતી સુન્દરી પેઠે વીજળી ઝબકીને છુપાઈ જાય છે. 'આ રહી' એમ આંખ કહે છે પણ વીજળી તો જતી રહે છે ને પાછળ અંધારું રહી જાય છે. એમ તારા સત્યનો ઝબકાર કોઈક વાર જણાય છે પણ તેનું હું ગ્રહણ કરી શકું તે પહેલાં તે અલોપ થઈ જાય છે. હું એને શોધવા જાઉં છું ને એ ત્યાંથી છટકી જાય છે. હું હાથ વડે પકડું છું, પણ મારો હાથ ખાલીને ખાલી રહે છે. શું આખરે યુગેયુગથી આ જ પ્રણાલી - પદ્ધતિ - ચાલુ રહેવાની છે?

કડી ૮. પણ મારી શોધ છેક નકામી તો નહિ જ નીવડે. હારતું હારતું પણ મારું હૃદય લડત ચાલુ રાખશે. સત્યની શોધમાં આડે આવતાં વિધ્નો સામે એ ઝઘડશે અને પછી દિવ્ય દિશાનાં -આધ્યાત્મિક રહસ્યનાં પડો ધીરે ધીરે ઊઘડશે, અને પછી તો "હે હરિ" એમ માત્ર "હરિ" નામનો ઉચ્ચાર કરતાં જ તું તુરત મને તેમાં જ જડી આવશે !

પૃષ્ઠ ૯. દિશાસૂચન. સંત પુરુષ વગરનો પ્રભુનો માર્ગ કોઈ બતાવી શકે એમ નથી. ભલે લાખો પુસ્તકો પઢો પણ અનુબવી સંતો વગર એ માર્ગના કોઈ ભોમિયા થઈ શકે એમ નથી. જગતના માર્ગ કરતાં એ માર્ગ ઘણો વિચિત્ર અને અટપટો છે.

કડી ૨. દુનિયામાં નદી સમુદ્રને મળવા દો ડે છે, પણ આ માર્ગમાં તો સમુદ્ર નદીને મળવા દોડે છે, નદી પહાડ -પોતાનાં જ્ન્મસ્થાનને મળવા ઈચ્છે છે ને પર્વત પાતાળને પકડવા આતુર બને છે. અર્થાત્ માયાને લીધે અનેક પ્રકારનાં નામ ને રૂપના ભેદ વડે વિલસી રહેલો જીવાત્મા બધા ભેદભાવ મટાડી એક પરમાત્મ તત્ત્વમાં વિલીન થવા માગે છે, પણ વચ્ચે આડી દિવાલ ઊભી છે - અનેક અંતરાયો આવે છે, ને સંત પુરૂષ વિના એ અંતરાયો શી રીતે ઓળંગવા તે કોઈ બતાવી શકે તેમ નથી.

કડી ૬. વાદળાં ગગનને ઘેરી લે અને અંધારું ઘોર બને ત્યાં એક સૂર્ય વિના તો એ વાદળ પર ઈન્દ્રધનુષ્યનો ચમત્કાર કોણ બતાવશે ?

પૃષ્ઠ ૯. પ્રભુની સ્નેહઠગાઈ. પ્રભુ જગતરૂપી રમકડું આગળ ધરીને પોતે છુપાઈ રહે છે. જગતની અનેક લીલા ને લાલચોમાં બધા લોભાઈને પ્રભુને પકડી શકતા નથી. પણ મારે જગતનું કામ નથી; મારે તો તારું જ કામ છે.