લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૪૭
 

બનાવી આત્મા પોતે જ તેમાં બંધાઈ ગયો છે - જગતની ઉપાધિમાં ફસાઈ ગયો છે. મંદિરમાં દેવની સ્થાપના કરવામાં આવે છે તે પણ માયાની ઉપાધિને લીધે જ. નિર્ગુણ નિરાકાર નિરંજન બ્રહ્મને માયાવિષ્ટ બનાવી તેની સગુણ ઈશ્વર તરીકે ઉપાસના કરવામાં આવે છે, તે જ રીતે કર્માદિના બંધનને લીધે શુદ્ધ મુક્ત આત્મા જીવાત્મા તરીકે નાના પ્રકારના ભેદભવમાં ભમે છે.

પૃષ્ઠ ૭૬. કર્મનાં પ્રતિબિંબ કડી ૧ તું ને તારાં કર્મ એ ભિન્ન વસ્તુ નથી. તારાં કર્મો એ તારા સ્વરૂપનાં જ પ્રતિબિમ્બ છે. જેવો મનુષ્ય તેવાં તેનાં કર્મ, અથવા જેવાં એનાં પૂર્વકર્મ તેવો એ મનુષ્ય. આખી દુનિયા ખોળી વળ. એ જ સંસારનો આકર્ષક અરીસો છે. એમાં સારાં નઠારાં કર્મો દેખાઈ આવે છે.

કડી ૬ આત્માનું શુદ્ધ જ્યોતિર્મયરૂપ છે એવું જો આપણું સ્વરૂપ બને તો કર્મરૂપી પ્રતિબિમ્બ પણ તેવું જ શુદ્ધ જ્યોતિર્મય બનશે. આત્મા-પરમાત્માની સાચી એકતા સધાશે. શાસ્ત્રો અનેક છે પણ એ સર્વનું રહસ્ય આટલું જ છે. આત્મૈક્યના અનુભવની એ સાચી જ્યોતિ મેળવી આ સંસારનાં માયામય કર્મો દૂર કરી નાખ.

પૃષ્ઠ ૭૮. પૂર્ણ જીવનની સુંદરતા હે મન ! તું હંમેશાં તારા પોતાના જ તરંગમાં કેમ રચ્યું પચ્યું રહે છે ? સ્વ સિવાય બીજું તને કેમ સૂઝતું જ નથી ? " હું " એ જ વિશ્વનું સારસર્વસ્વ હોય એમ કેમ માની રહ્યું છે ? હું તું એ ભેદ વિશ્વના જીવનમાં છે જ નહિ. વિશ્વ આખું એક સૂત્રે ગૂંથાએલું છે.

કડી ૩ - ૪ - ૫ વૃક્ષના એક જ અંગમાં સુંદરતા રહેતી નથી. ફૂલ, પાંદડાં, ડાળી વગેરે વૃક્ષના જુદા જુદા ભાગો છે ને તે સર્વ મળીને આખા વૃક્ષને સુંદરતા બક્ષે છે એનો તું દાખલો લે. તું એકલો કંઈ નથી. બિન્દુ એ સમુદ્રનો ભાગ છે, પણ બિન્દુમાં કાંઈ આખો સમુદ્ર સમાતો નથી. તેમ કેવળ તારા અહંમાં આખું વિશ્વ નથી સમાયું. વિશ્વના ચૈતન્ય સાથે એકતા સાધી પૂર્ણ જીવન તું પ્રાપ્ત કરશે તો જ સાચી સુંદરતા તને મળશે. તું કેવળ તારી એકલી જાતમાં રચ્યો પચ્યો રહીશ તો જુદા જુદા પ્રકારનાં બંધનોમાં સપડાઈ જઈશ. એ જાતના જીવનનો મોહ ન રાખ. પણ હું-તુંના ભેદભાવ ભૂલી પૂર્ણ જીવનનો-વિશ્વજીવન સાથે એકતાને ધબકતા જીવનનો અનુભવી થા.

પૃષ્ઠ ૮૦. યોગ હે પ્રભુ, તેં મારો સાથ ક્યારે છોડ્યો છે કે તારો યોગ કરવા, તને પ્રાપ્ત કરવા હું મથું ? તું મારાથી જરા પણ દૂર નથી રહ્યો. અંતરમાં તેમજ બહાર સર્વત્ર તું જ મારામાં વ્યાપ્ત થઈ રહ્યો છે.