પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૦
કલ્યાણિકા
 

પૃષ્ઠ ૯૭. સ્વયંપ્રકાશ હે જીવ, તું સ્વયંપ્રકાશ-તારા પોતાના તેજે પ્રકાશતા જ્યોતિરૂપ છે. તારે કોઈ બીજાના પ્રકાશની જરૂર નથી.

કડી ૪ - ૫. મનુષ્ય ઊંઘી જાય છે ત્યારે એની આંખ અંધારાથી છવાઈ જાય છે. બહારનો પ્રકાશ મળતો એને બંધ થઈ જાય છે, તેમ છતાં ઊંઘમાં સ્વપ્નો એ જુએ છે. તેને કોઈ પારકા તેજની જરૂર પડતી નથી. એને પોતાનું તેજ મળી રહે છે. એ રીતે આત્મા એકલો હોય-બહારનો કોઈ પ્રકાશ એને મળતો ન હોય, તો પણ એ પ્રકાશરૂપ હોવાથી સહેજમાં એને જ્ઞાનનો પ્રકાશ મળી રહે છે. ઊંડા અંધકારથી ભરેલા આકાશમાં તારાને પ્રવાસ કરવાનો હોય છે. પરંતુ પોતાના જ તેજ વડે અંધારાને દૂર કરી એ આકાશના સંત જેવા તારકો પ્રવાસ કરે છે. એને કોઈનો આધાર લેવો પડતો નથી. એજ રીતે આત્માને પ્રવાસ કરવાનો માર્ગ અંધકારથી ભરેલો હોય તોપણ એ પોતાના તેજ વડે તેને અજવાળીને આગળ વધે છે. એને પરપ્રકાશની જરૂર નથી.

પૃષ્ઠ ૧૦૩. નવપ્રકાશ ઈશ્વરના સ્વરૂપનું દર્શન બરાબર થતું નથી. પણ જાણે એક ચમકાર આવીને જતો રહેતો હોય એમ કોઈક વાર એનો પ્રકાશ હૃદયને સ્પર્શીને જતો રહે છે.

કડી ૨. હું રાત ને દિવસ સૂઈ રહ્યો. અજ્ઞાનના અંધારામાં પડી રહ્યો. સાચા સ્વરૂપનું મને દર્શન ન થયું. પણ વાદળાંઓ પરસ્પર અથડાઈને પોતાને થતું વેદન-દુઃખ-ગર્જના કરી પોકારી ઊઠે છે, ત્યારે વીજળીનો ઝબકાર થાય છે, તેમ સંસારના દુઃખાનુભવે મારું હૃદય કોઈક વાર આર્દ્ર બને છે ત્યારે ઈશ્વરના સ્વરૂપ જેવો ઝબકાર મારા હૃદયને ઘડીભર અજવાળી જાય છે.

કડી ૪. જેમ વીજળીને પકડીને ભૂમિમાં ઉતારવા તાર રખાય છે, તેમ એવા ઘડીમાં ઊડી જનારા એ ઝબકારની પાંખો બાંધવા માટે મને કોઈ પ્રેમનો તાર લાવી આપો ! જરા દર્શન દઈ અદૃશ્ય થઈ જતા ઈશ્વરને સદા માટે બાંધી રાખવા મને કોઈ પ્રેમમાર્ગનું જ્ઞાન આપો. પછી ક્ષણભર ઝબકાર કરી એ ઊડી જનારાને હું મારા હૃદયમાં બાંધી રાખીશ. પછી એ ઝબકારો કરી ક્યાં ઊડી જવાનો હતો ?

પૃષ્ઠ ૧૦૫. અમૃતપાત્ર હે જીવ, તું શુદ્ધ ચૈતન્યરૂપ છે. આ દુઃખાદિથી ભરેલા માયામય જગતમાં ફસાઈ અજ્ઞાનમાં સપડાઈ રહ્યો છે તે છોડી દઈ તારા સાચા સ્વરૂપનો ખ્યાલ કર.

કડી ૨ - ૩ - ૪ તારું હૃદય એ ઈશ્વરનું મંદિર છે. તારે પાંચે ઈન્દ્રિયો એ ત્યાં જવા સારુ પાંચ બારીઓ છે. અને એ ઈન્દ્રિયો વડે ગ્રહણ થતા શબ્દ રસ રૂપ ગંધ