સ્પર્શ વગેરેના વિષયો એ સંસારની લીલાઓ છે. દેવને દૂધ દહીં મધ આદિ પંચામૃત ધરાવાય છે તેમ એ પાંચે ઈન્દ્રિયો વડે થતું જ્ઞાન તું તારા હૃદયમાં ધારણ કરી તું ઈશ્વર પધારે ત્યારે તેને ચરણે ધરાવજે. કારણ કે જ્યારે એની સ્વારી આવશે ત્યારે બીજું તું શું એને સમર્પણ કરી શકશે ? અર્થાત્ સુખોપભોગના સર્વ વિષયો તું ઈશ્વર ચરણે ધરી દે. તને પ્રાપ્ત થએલું માનવજીવન એ કંઈ પાપના પરિણામરૂપ નથી, તેમજ નથી એ ફૂલની પથારી જેવું એશઆરામ કરવાનું સાધન માત્ર. પણ પુણ્યનું અમૃત ભેગું કરી ઈશ્વરને ચરણે મૂકવા માટેનું એ સાધન છે.
કડી ૫ દરેક તીર્થમાં નારાયણ-પ્રભુ-વસે છે. દરેક સ્થળે પ્રભુનો વાસ છે એમ માની તારા ભમતા મનને સ્થિર કર.
પૃષ્ઠ ૧૦૭. દ્વિરંગી જ્યોત કડી ૧ - ૨ આ માનવજીવન દોરંગી છે. એક દૃષ્ટિએ જોતાં એ દુઃખ અને વિપત્તિથી ભરેલું ભાસે છે. બીજી રીતે જોતાં એ શુદ્ધ ચૈતન્યરૂપ ઈશ્વરના અંશ સમું છે. જીવનની અમર જ્યોત અખંડ પ્રકાશે ઝગે છે, છતાં એ વેદનાથી ધ્રુજે છે, સંતાપ સહન કરે છે.
સોના સરખા દેહરૂપી કોડિયામાં પ્રેમામૃત રૂપી તેલ પૂર્યું છે, જ્ઞાનનાં કિરણોની વાટ ગૂંથીને બનાવી છે અને પછી વેદનાના - દુઃખના ભડકે તેને સળગાવી છે. એવી જાતની જીવનની અમર જ્યોત જગતમાં પ્રકાશી રહી છે. અંદર તો પ્રેમરૂપી અમૃતનો રસ છલકાઈ રહ્યો છે, પણ ઉપર દઝાડે એવી ઝાળ હોય છે. બહારથી વિપત્તિજ દેખાય છે, પણ અંદર ઊતરીને જોતાં એ પ્રેમનોજ પ્રભાવ છે એમ જણાઈ આવે છે. દિવેટ તેલ પીએ છે તો એને બળવું પડે છે, તેમ હૃદયમાં પૂરેલા પ્રેમામૃતને ચાખનારા સંતોને વિપત્તિની ઝાળે દાઝવું પડે છે. સંતનો પંથ એવો કપરો છે.
કડી ૫ આ બળવાનું ક્યાં સુધી રહેશે ? આ વિપત્તિ ક્યાં સુધી સહન પડશે ? એવા પ્રશ્નો નકામા છે. કારણ કે બળવાનું જતું રહેશે તો પ્રકાશ પણ આથમી જશે. તેજ રીતે વેદના લુપ્ત થઈ જતાં જીવન પણ નહિ ટકી શકે. બે એકબીજા સાથે એવાં સંકળાએલાં છે કે એકનો નાશ થતાં બીજાનો પણ નાશ થાય છે.
પૃષ્ઠ ૧૦૯. અજવાળિયાં અજ્ઞાનના અંધકારમાં દટાઈ રહેલા આત્માને આજે જ્ઞાનનો પ્રકાશ મળ્યો ને અદૃશ્યનાં - પ્રભુનાં દર્શન થયાં. આજે આંખે અજવાળાં ઊગ્યાં.
કડી ૨ આકાશના ભૂરા પોપચા પર જેમ વાદળ ઢંકાઈ જાય છે પણ અંતે સાત રંગ વડે શોભતું એનું ભવું ઊઘડે છે અર્થાત્ સપ્તરંગી ઈન્દ્રધનુષ્ય પ્રગટે છે,