પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૫૩
 

નાના સરખા પાંદડાંનું અસ્તિત્વ પણ નિષ્પ્રયોજન નથી. તું ભલે કંગાળ હો, તારી દુનિયાને જરૂર છે, એમ ન હોત તો તારી હયાતી જ ન હોત. અને એથી તારે માટે, તને મળવા, તારે દ્વારે હું વારંવાર આવું છું ને ટાઢ, તડકો ને વરસાદ વેઠી તારા બારણા આગળ વાટ જોતો ઊભો રહું છું.

પૃષ્ઠ ૧૧૯. સર્વગોચર ઈશ્વર એક રીતે અગોચર છે. ઈન્દ્રિયો વડે એનો અનુભવ થતો નથી. એ ક્યાંય દેખાતો નથી. પણ બીજી રીતે જોતાં એ સર્વગોચર છે. બધેજ એ દેખાય છે. હું જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં હે પ્રભુ, તું જ જણાય છે. આ વિશ્વની વાડીમાં સર્વત્ર તું જ ખીલી રહ્યો છે. સંધ્યા, ઉષા, સૂર્ય, ચન્દ્ર, પુષ્પ ને પ્રત્યેક પ્રાણીમાં તું જ વસી રહ્યો છે.

કડી ૩. અનંત આકાશમાં અંધારી રાતે તારાનાં દર્શન સહુ કોઈ કરી શકે છે. એ બીજું કાંઈ નથી પણ રાત્રિના ઘોર અંધકારમાં પણ જણાઈ આવતી તારી દિવ્ય, અલૌકિક ચરણરજ અર્થાત્ પગની ધૂળ છે. એ તારાનું તેજ તારા ચરણનું ભાન કરાવે છે.

પૃષ્ઠ ૧૨૧. આત્માનંદ કડી ૧ હૃદયમાં ભક્તિભાવનો ચંદ્ર ઊગતાં સર્વત્ર પ્રેમામૃત રેલાઈ રહે છે ને આનંદ આનંદ વ્યાપી રહે છે. જ્યાં સ્નેહની સુવાસ સ્ફુરે છે ત્યાં આખી સૃષ્ટિ સુગંધિત બને છે. પણ સૃષ્ટિમાં પોતાની કોઈ સુગંધ નથી. એ સુગંધ તો મનુષ્યના પોતાના હૃદયની છે. સૃષ્ટિના જડ પદાર્થોમાં કોઈ પોતાના ગુણ નથી. એ તો આપણે પોતે આરોપેલા ગુણો એમાં દેખાય છે.

કડી ૩. જીભને જે ગળ્યા તીખા ખાટા વગેરે રસોના આસ્વાદ આવે છે તે ખરી રીતે જોતાં જીભના પોતાના ગુણ પર આધાર રાખે છે. એનામાં પોતાનામાં સ્વાદ લેવાની શક્તિ ન હોય તો સૌ રસો નકામા છે. તેમ જે હૃદયમાં સ્પંદન-ધબકાર ન થાય, જે ચેતનવંતું ન હોય પણ કેવળ શૂન્ય જડ જેવું બન્યું હોય, તે શો રસ લૂંટી શકે ? તેને પ્રભુના પ્રેમામૃતનો સ્વાદ ક્યાંથી આવે ?

કડી ૫ જે આંખમાંથી તેજનાં કિરણો ફૂટે નહિ, જેમાંથી નૂર વહે નહિ તે આંખો આંધળીજ ગણાય. અજ્ઞાનીને ચૈતન્યના આનંદનો કદી અનુભવ મળે નહિ. મારે ખભે હું આખા જગતનો ભાર હસતે મુખે આનંદથી ઉપાડી લ‌ઉં છું, કારણ કે મારા હૃદયમાં પ્રભુનો આનંદ ભરપૂર ભરેલો છે.

પૃષ્ઠ ૧૨૩. માલિકની મહેર હે પ્રભુ, તારી મહેર સર્વ સ્થળે છાઈ રહી છે. એક અણુ માત્ર પણ તારી કૃપા વિનાનું નથી. તારી કૃપાના અમૃત વડે સર્વ કોઈ ખીલી રહ્યું છે.