પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૪
કલ્યાણિકા
 

કડી ૪. જ્યારે આકાશ વાદળાઓથી છવાઈ ઘોર અંધકાર ફેલાઈ રહે છે, ત્યારે પણ સપ્ત રંગે ચમકતું ઈન્દ્રધનુષ્ય પ્રગટી આકાશમાં રંગની રેલ રેલાવી મનુષ્યના હૃદયને આનંદથી ભરી દે છે. તે જ રીતે જ્યારે માથે દુઃખના પહાડ પડે છે ત્યારે તું તારી કૃપા પ્રસારી અમને ફરી આનંદનો ઉપભોગ કરાવે છે. પ્રભુ, તારી કૃપા એવી છે.

કડી ૬ તારી કૃપા, પ્રભુ અનંત છે. એ કદી અટકતી નથી. કરોડો વસ્તુ તું આપ્યો જાય છે. મારી સામે ભલે બ્રહ્માંડો આવીને ઊભાં રહે, તો પણ હું ડરતો નથી, કેમ કે મારી શ્રદ્ધા છે કે તારી બાથ એ બધાંને પહોંચી વળીને વધે એવી છે. તે તું તારી કૃપા વડે મને ઉગારશે.

પૃષ્ઠ ૧૨૫. ભક્તવીરની વાંછા કડી ૪ - ૫ - ૬ મેં આ હારજીતની લડાઈ શરુ કરી છે. ત્યાં હવે પાછી પાની કર્યે, હાથ પાછા ખેંચ્ચે, નહિ ચાલે. જો હું હારી જઈશ તો આ જગતને એક જન્મ ગુમાવીશ, ને જીતીશ તો તને મેળવીશ; અર્થાત્ જન્મમરણના ચક્રમાંથી મુક્ત થઈશ ને સંસાર તથા તેની માયામાંથી છૂટી તને પ્રાપ્ત કરીશ. હું દુનિયાનો નહિ રહું, દુનિયા મારી નહિ રહે. પણ હું તારો થઈશ. તું મારો થશે, એમ આ લડતમાં હાર કે જીત ગમે તે મળે. એમાં બધી રીતે કલ્યાણ જ થવાનું છે. આધ્યાત્મિક બળે હું માયાનો પટ ચીરી તારાં દર્શન કરીશ. આકાશને વીંધીને ને પાતાળને ફોડીને, અર્થાત્ બ્રહ્માંડના ભેદો ઉકેલીને હું તારું તખ્ત ને તારો તાજ જીતી લઈશ. હું તારી પ્રાપ્તિ કરીશ. તે વેળા તું મને " માગ માગ " એમ કહેશે પણ હું શું માગું ? તારું હૃદય એ મારું જ છે. તું પોતે જ મારો છે. પછી મારે બીજું શું માગવાનું રહ્યું ? હું તો તને જ જીતી લેવા માગું છું.

પૃષ્ઠ ૧૨૭. સતત વિશ્વવસંત વસંત ઋતુમાં લોકો ફાગ ખેલે છે ને આનંદનૃત્ય કરે છે, તેમ આ વિશ્વમાં પ્રભુ અનંત ફાગ ખેલી રહ્યો છે.

કડી ૨ લોકો ગુલાલ ઉડાવી લાલ રંગથી સૌને રંગી દે છે તેમ આકાશના ખભા પર ઊભાં રહી સંધ્યા ને ઉષા ગુલાલથી પોતાના ગાલ લાલ બનાવી નાચી રહ્યાં છે. વનમાં ને વાડીમાં ફૂલની સુગંધથી આનંદિત થઈ પવન વાતો વાતો ગાન કરી રહ્યો છે. અને આખું વિશ્વ રંગમાં આવી ગયું છે. પ્રભુ અનંત નૃત્ય કરી રહ્યો છે.

કડી ૫ આદિથી અંત સુધી જગત, પ્રગટ રીતે કે અપ્રગટ રીતે, અંદરથી તેમજ બહારથી ફાગરૂપ છે. આખું જગત એ ઈશ્વરની લીલા-રમત છે. ફાગ ખેલતા હોળૈયા પીચકારી ભરીને મારે છે, તેમ ઈશ્વરની લીલાની જ્ઞાનરૂપી પીચકારી