પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૬
કલ્યાણિકા
 

પહોંચી તેજસ્વી અશ્વો હવે શાંત થઈ ગયા છે, ને સંધ્યાકાળ-પવિત્ર ને શાંત સાન્ધ્ય સમય આવ્યો છે. અનેક આશા ને કોડથી ભરેલો બાલ્યકાળ, સિદ્ધિઓ વડે શોભતો તારુણ્યનો સમય જતો રહ્યો છે. જીવનની હવે શાંતિ ભરી સંધ્યા આવી પહોંચી છે. પ્રેમની ને જીંદગીની મહેમાની હું પૂરેપૂરી ભોગવી ચૂક્યો છું. પગમાં કેટલીક વાર કાંટા ભોંકાયા છે તો કોઈક વાર હાથમાં ફૂલ પણ આવ્યાં છે. અર્થાત્ સંસારનાં સુખ ને દુઃખ બંનેનો મને અનુભવ મળી ચૂક્યો છે. આ માટીની કાયામાં પ્રાણનો તેજસ્વી પ્રકાશ પૂર્યો છે. દીવી ફૂટી જતાં દીવો-પ્રકાશ-જેમ જતો રહે છે તેમ આ માટીની કાયા પડી જશે ત્યારે ભલે પ્રાણ પણ અદૃશ્ય થઈ જતો. ભાગ્યયોગે મારે ભાગે જે જે આવ્યું તે સૌ મેં ભોગવી લીધું. ઈશ્વરે સુખદુઃખ જે કંઈ આપ્યું તે બંને હાથે-વગર આનાકાનીએ, સહર્ષ મેં સ્વીકારી લીધું. જીવનના નાવમાં બેસી સંસારસમુદ્ર તરતાં મેં મારે ભાગે જે જે ફરજો આવી તે સર્વ બજાવી. હવે એ નાવ ડૂબે છે. પણ ત્યાં મારો પ્રભુ આવીને મારો હાથ પકડી લે છે. પ્રભુ મને મરણનું દ્વાર ઓળંગાવી અનંતતાને પંથે પોતાની પાસે લઈ જાય છે. મૃત્યુ પામ્યા પછી મારો કંઈ સર્વથા વિનાશ નહિ થાય. આ દેહનાં પાર્થિવ તત્ત્વ પૃથ્વીમાં સમાઈ જશે, ને પછી ધરતી માતા એ તત્ત્વોને ફૂલ તરીકે ઉગાડશે. મારો તેજસ્વી પ્રાણ કોઈ નવીન તારારૂપે આકાશને ઉજાળશે. મારાં રચેલાં ગીત વસંતના હૃદયમાં-સહૃદય ને સચેતન આત્મામાં-નવા ફાગ ઉડાવશે, નવીન ભાવના ને નવો આનંદ પ્રગટાવશે, ને એ રીતે જ મેં જીવનભર સેવેલી આશાઓ સિદ્ધ ને ફળવતી થશે.

કડી ૮ જતી વખતે હું શું આપી જાઉં ? ગુર્જરીનો કંઠ બહેલાવવા ને શોભાવવા મારાં રચેલાં આ ગીતોની મોહનમાળા છે. મારાં ગુર્જર બહેનો ને બંધુઓ માટેનો આ મારો નિર્મળ પ્રેમ છે, પરમાત્મા પ્રભુને તો આ મારો આખો આત્મા જ આપી દ‌ઉં છું. હવે મને ઘેર જવાની-ઈશ્વરના ધામમાં જવાની, મારું શુદ્ધ મૂળ ચેતન સ્વરૂપ પામવાની તીવ્ર ઉત્કંઠા જાગી છે. મારા એ ઘરની, ઈશ્વરના તેડાની, મારા શુદ્ધ ચેતનરૂપને પ્રાપ્ત કરવાના આવાહનની મીઠી ઘંટડી વાગી રહી છે. બહેનો ને બંધુઓ ! મારી છેલ્લી સલામ !

જ્યોતીન્દ્ર હરિહર દવે, એમ. એ.