લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલ્યાણિકા
 


અમે તો હંસલા રે ઊંચેરા દેશના રે,
ધગતી ધરાએ ઊતર્યા ક્યાંથી રે !
આભની પાર રહ્યાં સરવર અમારાં રે,
તૃષા અમારી છિપે શાથી રે ?
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૪

લગની લાગી છે એક અમૃતના નામની રે,
ભરી ગંગાજી યે સુકાશે રે;
અલખ સરોવરમાં અંજલિ ભરીને રે
કોણ અમૃત અમને પાશે રે ?
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૫

વિષમ છે વેદના એ અમૃત તૃષાની રે,
ધખે જીવન રણ જેવું રે :
ભવોભવ કેરી તૃષા અદલ છિપાવે રે,
આપો અમૃત કોઈ એવું રે !
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૬