પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
કલ્યાણિકા
 


દર્શનની ઝંખના

. રાગ સારંગ - તાલ દાદરો *[૧].

કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ?
સંત બોલો રે સંત બોલો, દીઠો નાથને કો વાર ? - (ધ્રુવ)

ઉરે ઉદધિ ઉભરાય, એક તાનમાં તણાય;
ઊઠે અણગણ્યા તરંગ, ઊઠી ઊઠી થાય ભંગ :
ઊર્મિ ભરે આભે ફાળ, તોય મળે ના કો ભાળ :
કૂદી કૂદી રે કૂદી કૂદી અંતે વિરમવું કિનાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૧

ઊડે વીજળીની પાંખ, ત્યાં હું બેસી માંડું આંખ ;
વીંધું આભનાં ઊંડાણ, ખોદું સૃષ્ટિઓની ખાણ;
કૈંક રત્ન આવે હાથ, પણ ન જોઉં ક્યાંહિં નાથ ;
આવે આવે રે આવે આવે મટ્ટી ને અંધાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૨

સૂર્ય ચંદ્ર કેરી પીઠ, બેસી જાઉં હું અદીઠ;
કિરણ કિરણ ખોળી જોઉં, નભ નવીનતાએ મોહું;
બોળું હાથ આભનીર, કંઇક ખેંચી લાવું તીર :
નાથ ક્યાં છે રે નાથ ક્યાં છે ? આ તો વધ્યો વ્યર્થ ભાર !
કેમ પામું રે કેમ પામું મારા નાથનાં દિદાર ? ૩


  1. *"વીજ ચમકે મીઠા મેહુલાની માંહ્ય" – એ રાહ.