લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
કલ્યાણિકા
 

પ્રભુની સ્નેહઠગાઈ

( ધોળ )

જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું !
એને આગળ કરી તું ગુપ્ત રહે શું દૂર ?
તારી લાખ લીલામાં સર્વ રહ્યા લોભાઈને,
પણ મુજને તો જોઇએ એક જ ઉરનૂર :
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૧

તારો સૂરજ આવી બાંધે તેજકિરણ વડે,
તુજ તારા અમને તમજાળે ઘસડી જાય;
હું તો તેજ તિમિર વચ્ચે મુજ આંખો ઠેરવું,
તારી છાય જરા પકડું કે તું લોપાય !
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૨

તુજ સંદેશા જેવા ગગને ઘૂમી રહે,
તારાં ઘોર નગારાં વાગી રહે આકાશ;
અમૃતબિંદુ પડે ટપકી તુજ પ્રેમાળ પાત્રથી,
ભીંજવે ભૂમિ, પરંતુ ભીંજાય ન મારી આશ :
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૩