પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
કલ્યાણિકા
 


પૂઠે સુવર્ણની ચમરી ચમકાવતો
તારો તે તેજબાલ મહાલી રહ્યો;
ખોબે ખોબે મેં ઝીલી પડતી કનકરાજ—
કોણા જાણે કેમ ખોબો ખાલી રહ્યો !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૩

રાતાં સરોજગૂંથ્યા તોરણ ત્યાં ટાંગતી
તારી તે સંધ્યા ઘડી ગુંજતી ઊભી;
ઝડપી લીધી એ સૂરધારા મેં અંતરે—
કોણ જાણે અણદીઠી ક્યાં જઈ ડૂબી !
કેવી તેં તારી ઉતારી આ માધુરી  ! ૪

આખર ત્યાં લાખલાખ ટીલી ટમકાવતો
દીઠો મેં સાળુ તારી રજની તણો;
હૈયે ચાંપ્યો ત્યાં એનાં ભોંકાયા તીર હા !
જોની હે નાથ ! કેવા દૂઝે વ્રણો !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૫

તારી આ વેદનાની મોંઘેરી ભેટ સૌ
હૈયે ધારી આ મારું જીવન વહું:
રે રે હો નાથ ! એ જ તારી છે માધુરી—
તારી એ મહેરે સદા રંજિત રહું !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૬