પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
કલ્યાણિકા
 

ચેતન ચેતન અંતરે
ઢાંક્યાં નવનવ પાત્ર જી:
એ રે ઢાંકણને અજવાળતાં
મળશે ત્યાં જ્યોતિ માત્ર જી !
સેવા કરો રે લોકદેવની !

ચેતન કેરાં એ મંદિરો,
એ સહુ તીર્થના ધામ જી;
સૌ તીર્થમાં મોટું માનજો
એ લોકદેવનું નામ જી !
સેવા કરો રે લોકદેવની !

આંતરડી ઠારો એ દેવની,
એ નહીં જડ પાષાણ જી:
ચેતન એનાં રે ઊઘડતાં
કરશે જન્મ કલ્યાણ જી !
સેવા કરો રે લોકદેવની !

તેત્રીશ કોટિ સૌ દેવ એ,
સ્થાવર જંગમ સર્વ જી :
એને રે દ્વારે ઉજવાય નિત
ચૌદભુવનનાં પર્વ જી !
સેવા કરો રે લોકદેવની !