પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
કલ્યાણિકા
 




પરમાર્થ

• રાગ સારંગ — તાલ દાદરો [૧]

સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ :
સ્નેહધારા રે સ્નેહધારા એની વરસી રહે અમાપ. - (ધ્રુવ)


સૂર્ય તારલાનાં તેજ, વહે વ્યોમે સદા સહેજ,
એની જ્યોતના અંબાર, વીંધે આભના અંધાર;
ઊંડા હ્રદયથી અનંત, સ્નેહ દસદિશે દ્રવંત:
જીવન દીપે રે જીવન દીપે આપ્યાં તેજને પ્રતાપ !
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૧

ઘેરી લેતો આભ જેહ, પરાક્રમી એવો મેહ,
તેને સ્વાર્થનું ન ભાન, આપે આપનું જ દાન;
બધું આપી ખાલી થાય, ભરી પૃથ્વી ત્યાં પોષાય:
મેઘરાજા રે મેઘરાજા ટાળે સર્વના સંતાપ :
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૨

ઊગે તરુવરો ઉદાર, આપે પ્રાણીને આહાર;
પત્ર પુષ્પ ફળ ને દેહ, આપી દે બધું જ તેહ;
ઊગે મટ્ટીમાંય તોય, એનું દાન પરમ હોય:
નહીં રે બોલે નહીં રે બોલે એને કાય પડે કાપ !
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૩


  1. "વીજ ચમકે રે વીજ ચમકે, મીઠા મેહુલાની માંહ્ય,"—એ રાહ.