પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૯૧
 


વેદ પુરાણ કુરાન અવસ્તા
શીખવે તે હું શિખાવું ;
પણ અક્ષર જ નથી તેને ક્યાં
કાનો માત્રા લગાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?

સૌ ઇંદ્રિયથી પર છે તેને
ક્યમ અનુબોધે લાવું ?
અલખ અકથ એવો ઉર આણું,
પણ કઈ વાણ વસાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?

સ્વપ્ન ન જોયું તે ક્યમ જાણે
સ્વપ્ન ઊગે છે આ’વું ?
અજન્મ ને અવિગત એવાને
શું કલ્પી કલ્પાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?

ખાટું, ખારું, તીખું, મોળું,
મધુરું, કડવું ગણાવું :
પણ જે સ્વાદ ન જાણ્યો જીભે,
તે કઈ રીત રસાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?