પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ : કાંચન અને ગેરુ
 

પોતાનો લેખનશોખ બદલો માગતો શોખ હતો જ નહિ. શોખ કુરબાની માગે અને આપે. શોખના ભાવ કે તોલ ઠરાવાય નહિ અને એની કિંમતનાં પાટિયાં ચોડાય નહિ, કાવ્ય લખ્યાનો સંતોષ એ જ સુનંદને પૂરતો બદલો હતો. વાર્તા કે કવિતા લખીને તેને જેવો નશો ચડતો તેવો કોઈ મદ્યપીને મદ્યપાનથી પણ નહિ ચઢતો હોય. એક સંપૂર્ણ અણિશુદ્ધ લેખ લખીને તે જે ઠંડક અનુભવતો તે ઠંડક એને તાલવાળા મુગટધારી શહેનશાહના સિક્કાઆંક્યા રૂપિયાની ઢગલીઓ જોઈને પણ વળતી નહિ.

મહાવિદ્વાનોની તો નહિ, પરંતુ મધ્યમ વિદ્વાનોથી માંડી વાચકો સુધી સહુને ખાતરી થઈ કે સાહિત્ય પરિષદની પ્રમુખ ખુરશી માટે સુનંદ જ લાયક છે. અલબત્ત, જે ત્રણચાર મહાવિદ્વાનો તેની તત્કાલીન લાયકાત વિશે મૌન સેવતા તે એમ તો કહેતા જ હતા કે તેમને પોતાને પ્રમુખપદ મળ્યા પછી જરૂર સુનંદને પ્રમુખ સ્થાન મળે. ખુરશી એક અને ઉમેદવારો વધારે હોવાથી હજી ત્રણચાર મહાવિદ્વાનો પરિષદના પ્રમુખસ્થાનથી વંચિત રહ્યા હતા !

સુનંદને તેની દરકાર હતી જ નહિ. પ્રમુખસ્થાન મળે કે ન મળે એ બદલ એના મનમાં વિચારનો બુદ્દબુદ્ પણ પ્રગટ્યો ન હતો. એ એની કલ્પનાસૃષ્ટિમાં મસ્ત હતો. એની ઊર્મિસૃષ્ટિમાં આવાં છિલલ્લાં, ઝપથી ભુલાઈ જવા સર્જાયેલા પ્રમુખસ્થાનને અવકાશ જ ન હતો. એ પોતાની સૃષ્ટિને સાથે જ લઈ ફરતો; એટલે કાવ્ય, વાર્તા કે લેખ લખવા માટે તેને એકાંત દરિયાકિનારો કે શિખરનિવાસની ખાસ જરૂર પડતી જ નહિ. એના શબ્દો જ વસ્તુનું વાતાવરણ રચી દેતા. એનું લગ્ન વૈશાખના ભર તાપમાં થયું હતું. એણે વૈશાખ માસનું એવું સુંદર વર્ણન આપ્યું કે એ વાંચનારને વૈશાખી તાપની ખબર જ પડતી નહિ અને કાશ્મીર-મસૂરી જવાની ઇચ્છા જ થતી નહિ ! કેટલાંય તો એ વર્ણન વાંચીને ઊટી-મસૂરીથી પાછા ચાલ્યા આવ્યા !